પ્રવર્તમાન ગરમીની સીઝનને ધ્યાને લઇ હિટ વેવના દિવસો દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં વિવિધ સ્થળોએ નાગરિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા અને ૨૧ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે ઓ.આર.એસ. કોર્નર અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.
વિશેષ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ઉનાળાના સખત ગરમ દિવસો ચાલી રહયા છે. આગામી ત્રણ દિવસ સુધી હિટ વેવની શક્યતા રહેલી છે. હાલના દિવસોમાં નાગરિકોએ પાણી પીવાનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ એન.જી.ઓ.નાં સહકાર સાથે શહેરના વિવિધ સ્થળો પર જાહેર જનતા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
આ સાથે અર્બન હેલ્થ સેન્ટર, આરોગ્ય શાખા દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને ઓ.આર.એસ., પુરતી માત્રામાં આવશ્યક દવાઓ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. જે સ્થળોએ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમાં બી.આર.ટી.એસ. રૂટ પર રૈયા ચોક, ગોંડલ ચોકડી,માધાપર ચોકડી, તથા આજી ડેમ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ત્રિકોણ બાગ, સિવિલ હોસ્પિટલ ચોક, એસ.ટી. બસ સ્ટેન્ડ, તમામ વોર્ડ ઓફિસો, તમામ સિવિક સેન્ટર વિગેરેનો સમાવેશ થાય છે.”