સમી-હારિજ-શંખેશ્વર પંથકમાં પથરાયેલા વઢિયાર પંથકના ૪૨ ગામોના રબારી સમાજના ૧૪૦ સરકારી કર્મચારીઓ દ્વારા પોતાનો એક મહિનાનો પૂરો પગાર સમાજની દીકરીઓના શિક્ષણ માટે અર્પણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજે ૩૦ લાખ રૂપિયા ફાળો એકત્ર થશે.
સમી ખાતે રબારી સમાજના દિકરા દિકરીઓને શિક્ષણ મળી રહે તેવા શુભ હેતુથી અંદાજે ૨ કરોડના ખર્ચે શૈક્ષણિક સંકુલનું નિર્માણ થઇ રહ્યું છે. સંકુલના વિકાસ અર્થે વઢિયાર રબારી સમાજ દ્વારા શિક્ષણ માટે સમાજ જાગૃત બને અને સંકુલ માટે ફંડ એકત્રિત થાય તેવા શુભ હેતુથી તાલુકાના ગામડાઓમાં શિક્ષણ રથ ફરી રહ્યો છે. જેમાં રબારી સમાજના લોકો ઉદાર હાથે ફંડ આપી સહભાગી થયા છે. કાર્યક્રમ અંતર્ગત સમાજના ૪૨ ગામોના પી.એસ.આઇ, પોલીસ કોન્સ્ટેબલ, શિક્ષકો, ક્લાર્ક, પટાવાળા, ઓડિટર જેવા હોદ્દા ઉપર નોકરી કરતા ૧૪૦ જેટલા કર્મચારીઓએ પોતાનો ૨૦ હજારથી માંડી ૫૦ હજાર જેટલો એક મહિનાનો પૂરો પગાર સમાજની દિકરીઓના શિક્ષણ માટે દાન આપવાનું નક્કી કર્યું છે. રબારી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ૫૦ ટકા જેટલું છે. સમાજના ૧૪૦ સરકારી કર્મચારીઓ પોતાનો ૧ મહિનાનો પગાર આપશે. પૂજ્ય કનીરામ બાપુએ કર્મચારીઓને અપીલ કરતા કર્મીઓએ અપીલને વધાવી લીધી છે.
આ અંગે રબારી સમાજના પ્રમુખ વિરમભાઇ રબારીએ જણાવ્યું હતું કે સમાજના બાળકોના શિક્ષણ માટે શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે સમાજના આગેવાનો સાથે મળી શિક્ષણ રથ ગામેગામ ફરી રહ્યો છે. રબારી સમાજના મહંત પૂજ્ય કનીરામ બાપુ દુધરેજ ૪૫ ડિગ્રી તાપમાનમાં સમાજના દીકરી-દીકરોના શિક્ષણ માટે આ રથમાં ઉત્સાહથી ફરી રહ્યા છે. અને સમાજમાં શૈક્ષણિક જાગૃતિ લાવી રહ્યા છે. અમારા સમાજના સરકારી કર્મચારીઓના પ્રેરક નિર્ણયથી અન્ય સમાજના લોકોને પણ પ્રેરણા મળશે.
સમાજના ગુરૂની અપીલ કર્મીઓએ ઝીલી લીધી
આ અંગે સરકારી કર્મચારી નરોત્તમભાઈ રબારી મોટીચંદુરએ જણાવ્યું કે અમારી જેમ અમારી સમાજના દીકરી-દીકરાઓ શિક્ષણ મેળવી સરકારી નોકરી મેળવે તેવા શુભ હેતુથી સમાજ ઋણ અદા કરવા એક મહિનાનો પૂરો પગાર સમાજ માટે દાન કરવાનું નક્કી કર્યું છે જેનો અમને આનંદ છે.સમાજના ગુરૂની અપીલ કર્મચારીઓએ ઝીલી લીધી.