રાજ્યના ૩૫૦૦ જેટલાં શિક્ષકોને બોર્ડની નોટિસ આપવામાં આવી છે. બોર્ડના પેપર તપાસવા માટે શિક્ષકોની નિમણૂંક કરાઈ હતી, પરંતુ તેઓ ગેરહાજર રહેતા ગુજરાત માધ્યમિક અને ઊ.માધ્યમિક શિક્ષણ બોર્ડની નોટિસ આપવામાં આવી છે. ૩૫૦૦ શિક્ષકો પેપર તપાસવા નહીં જતા બોર્ડની નોટિસ ફટકારાઇ છે. આ સિવાય ૧૫૦૦ શિક્ષકોને સાયન્સના પેપરો તપાસવાના હતા.
બોર્ડની પરીક્ષાના પેપર ચેક કરવા ખાનગી સ્કૂલોના ૩૫૦૦ શિક્ષકને ઓર્ડર હોવા છતાં તેઓ પેપર ચેક કરવા ન આવતાં બોર્ડ દ્વારા આખરે ગંભીર નોંધ લેવાઇ છે. બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં અંદાજે ૧૫૦૦ અને સામાન્ય પ્રવાહના બે હજાર શિક્ષકોને સોમવારે નોટિસ ઇશ્યૂ કરાય તેવી શકયતા છે. શિક્ષકો નોટિસનો યોગ્ય ખુલાસો નહીં કરે તો શિક્ષક અને સ્કૂલને દંડ થઈ શકે તેવી પણ પ્રબળ સંભાવના છે.
દર વર્ષે બોર્ડના પેપર ચેક કરવામાં ખાનગી સ્કૂલોના શિક્ષકો ગેરહાજર રહે છે. પરંતુ આ વર્ષે બોર્ડ શિક્ષકો પર કડક કાર્યવાહી કરવાનું વલણ અપનાવ્યું છે. સરકારી શિક્ષકોનું માનવું છે કે, પેપર ચેક કરવામાં થોડી પણ ભૂલ થાય તો બોર્ડ દંડ કરે છે.
ખાનગી સ્કૂલોના શિક્ષકો પેપર ચેક કરવા ન આવતા સરકારી શિક્ષકો પર કામનું ભારણ વધી જાય છે. કામના ભારણને કારણે ઘણા શિક્ષકોને મહેનતાણાં સામે બોર્ડનો દંડ વધી જાય છે. જ્યારે કે બોર્ડની પરીક્ષામાં ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓની સંખ્યા જ વધારે છે.