ભાજપના સાંસદ મિનાક્ષી લેખી તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે સુપ્રીમ કોર્ટમાં નવી એફિડેવિટ દાખલ કરી હતી. નવી એફિડેવિટમાં પણ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ નિવેદનને લઇને દુખ વ્યક્ત કર્યું હતું. જો કે, આ વખતે પણ રાહુલ ગાંધીએ માફી માંગી નથી. નવી એફિડેવિટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રાજકીય લડાઈમાં કોર્ટને ખેંચી લાવવાની બાબત યોગ્ય નથી. તેમનો આવો કોઇ ઇરાદો ન હતો. રાહુલે મિનાક્ષી લેખી ઉપર તિરસ્કાર અરજી મારફતે રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલામાં આવતીકાલે વધુ સુનાવણી કરવામાં આવનાર છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં બેંચ સમક્ષ રાહુલ ગાંધીના વકીલ સુનિલ ફર્નાન્ડિઝ ઉપ્થિત રહ્યા હતા.
ફર્નાન્ડિઝે કહ્યું હતું કે, તેમને તિરસ્કાર નોટિસનો જવાબ આપવા માટે મંજુરી મળવી જોઇએ. સીજેઆઈ રંજન ગોગોઈ, જસ્ટિસ દિપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે રાહુલ ગાંધીના વકીલને કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટેની મંજુરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે ૨૩મી એપ્રિલના દિવસે રાહુલ ગાંધીને અપરાધિક તિરસ્કાર નોટિસ જારી કરી હતી. ભાજપના સાંસદ મિનાક્ષી લેખી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. તેઓએ રાફેલ મામલામાં ચોકીદાર ચોર હૈના નિવેદનને લઇને દુખ વ્યક્ત કર્યું હતું. એ વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા તેના નિવેદનને લઇને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. રાહુલે કહ્યું હતું કે, ચૂંટણી સભામાં પ્રચાર દરમિયાન ઉત્તેજનામાં તેમના દ્વારા આ નિવેદન કરવામાં આવ્યું હતું. સામાન્ય ધારણાના આધાર પર નિવેદન કરવામાં આવ્યું હતું. આ મામલામાં ૨૩મી એપ્રિલના દિવસે છેલ્લી સુનાવણી કરવામાં આવી હતી. તે વખતે રાહુલ ગાંધી તરફથી ઉપસ્થિત રહેલા વકીલે મામલાને ખતમ કરવા માટે અપીલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને જવાબ આપવા માટે કહ્યું હતું. કોંગ્રેસ પ્રમુખેઆજે એજ નોટિસનો જવાબ આપ્યો હતો. રાફેલ ડિલમાં ભ્રષ્ટાચારને લઇને મોદી ઉપર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હવે તો સુપ્રીમ કોર્ટ પણ સ્વીકારી ચુકી છે કે, ચોકીદાર ચોર હૈ. હકીકતમાં ૧૦મી એપ્રિલના દિવસે સુપ્રીમ કોર્ટે સરકારના વાંધાઓ છતાં રાફેલ મામલામાં રિવ્યુ પિટિશન ઉપર નવા દસ્તાવેજના આધાર પર સુનાવણીનો ફેંસલો કર્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું હતુેં કે, હવે સુપ્રીમ કોર્ટે પણ કેટલીક બાબતો કબૂલી લીધી છે.