વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને સેરમપુરમાં રેલી દરમિયાન કહ્યું હતું કે, ચૂંટણી બાદ ટીએમસીના અનેક ધારાસભ્યો પાર્ટી છોડવા માટે નિર્ણય કરી ચુક્યા છે. મોદીએ દાવો કર્યો હતો કે, ટીએમસીના ૪૦ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. મોદીનું આ નિવેદન બંગાળની રાજનીતિમાં ભારે ઉથલપાથલ કરી શકે છે. વડાપ્રધાને મમતા બેનર્જીના એવા નિવેદન ઉપર પ્રતિક્રિયા આપી હતી જેમાં મુખ્યમંત્રીએ મોદીને લોકો રસગુલ્લા ખવડાવશે તેવું નિવેદન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે, જે દેશની માટીમાં મોટા મોટા મહાપુરુષો જનમ લઇ ચુક્યા છે ત્યાં પથ્થરના રસગુલ્લા પણ તેમના માટે પ્રસાદ સમાન સાબિત થઇ શકે છે.
મોદીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળના લોકોની સાથે વિશ્વાસઘાત કરનાર મમતા બેનર્જીની હાલત હવે કફોડી બની ચુકી છે. મમતા બેનર્જીની જમીન હવે સરકી રહી છે. આ દેશની પ્રજા ભુલો માફ કરી શકે છે પરંતુ વિશ્વાસઘાતને ચલાવવા તૈયાર નથી. મોદીએ કહ્યું હતું કે, મમતા બેનર્જીની હાલત હવે કફોડી બની ચુકી છે. ૨૩મી તારીખના દિવસે પરિણામ જાહેર થયા બાદ ચારેબાજુ કમળ ખિલી ઉઠશે. ટીએમસીના ધારાસભ્યો પણ મમતા બેનર્જીને છોડીને ભાગી જશે. આજે પણ ૪૦ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. મમતા બેનર્જીનું બચવું મુશ્કેલ છે. કારણ કે, લોકો સાથે વિશ્વાસઘાત મમતા બેનર્જી દ્વારા કરવામાં આવ્યો છે. મોદીએ ઉમેર્યું હતું કે, મમતા બેનર્જી હંમેશા માટી અને માનુષની વાતો કરતા રહ્યા છે પરંતુ હવે મમતાએ માટીને છોડી દીધી છે. મમતાએ જાહેરાત કરી છે કે, તેઓ બંગાળની માટી અને પથ્થરોથી બનેલા રસગુલ્લા ખવડાવવા માટે ઇચ્છુક છે પરંતુ આ તેમના માટે સૌભાગ્યની વાત છે. જે માટીમાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, ચૈતન્ય મહાપ્રભુ, જગદીશચંદ્ર બસુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ થયો છે તે જગ્યાની માટી પણ ગર્વ સમાન છે. જે મહાપુરુષોની જમીન બંગાળની માટી રહી છે તે જમીનના માટીના રસગુલ્લા પણ ગર્વ સમાન છે. તેમણે કહ્યું હતું કે, બંગાળના લોકો પરિવર્તન માટે કમરકસી ચુક્યા છે. મોદીએ કહ્યું હતું કે, સમગ્ર દેશના લોકો કહી રહ્યા છે કે, પશ્ચિમ બંગાળ નવા ભારતના નિર્માણ માટે આ વખતે ઐતિહાસિક જનાદેશ આપવા માટે તૈયાર છે. દરેક ચરણની સાથે મહામિલાવટ કરનાર લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. મહામિલાવટી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. ચૂંટણી પહેલા મહામિલાવટી લોકો મોદીને ગાળો આપી રહ્યા હતા પરંતુ હવે ઇવીએમને ગાળો આપવાની શરૂઆત કરી ચુક્યા છે. આ ચૂંટણીમાં મોદીને ગાળો આપો કે પછી ઇવીએમને ગાળો આપો તેમના ચૂંટણી પ્રચારનો મહામિલાવટી લોકોનો આ તરીકો રહેલો છે. મોદીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાંથી જે રીતે સમાચાર આવી રહ્યા છે તે જોતા મમતા બેનર્જીનો ગુસ્સો આસમાને પહોંચી ગયો છે. પ્રજામાં મમતા બેનર્જીની સામે જોરદાર નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળની પ્રજા સાથે વિશ્વાસઘાત થયો છે. બંગાળમાં ટીએમસીના ગુંડાઓ હિંસા ઉપર ઉતરેલા છે. મોદીએ તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી પર ભાઈ ભત્રીજાવાદનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપ પ્રચંડરીતે જીતનાર છે. મમતા બેનર્જીને હાર દેખાઈ આવી છે.