ગાંધીનગર-ઊનાળો આકરે પાણીએ છે ત્યારે મૂંગા પશુઓની સ્થિતિ વધુ કફોડી છે. પાણીની તંગી તો છે જ ત્યાં પશુઓ માટે ઘાસચારાની અછતને પગલે પશુપાલકો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.અમદાવાદ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં ૨૦ કિલો લીલી જુવારનો છૂટક બજારમાં હાલ ૯૦ રુપિયા બોલાઈ રહ્યો. સિંચાઇ માટે નર્મદાના પાણીની તંગી, વરસાદનો અભાવ સહિતના કારણોસરઆ વર્ષમાં ખેતીમાં બરકત નથી ત્યારે પાણીના અભાવે ઘાસચારાનું વાવેતર પણ ઓછું થયું છે. જેને લઇને ઉનાળાની આ સિઝનમાં લીલા ઘાસચારાની તંગી વચ્ચે પશુઓએ ભૂખે મરવાનો વારો આવ્યો છે.જે જિલ્લાઓ અને તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર થયાં ત્યાં પાણી અને ઘાસચારાની ભારે અછત પ્રવર્તી રહી છે. કચ્છની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. અમદાવાદમાંથી સીધો ઘાસચારો કચ્છમાં મોકલાઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ ઘાસચારાની અછત વધી ગઇ છે કે લીલી જુવાર જે એક મણના ૫૦ થી ૬૦ રૂપિયાની જગ્યાએ ૮૦-૯૦ ના ભાવે મળી રહી છે.ડાંગરના ગંઠા, પૂળાં,બાજરીના પૂળાંના ભાવ પણ વધી ગયાં છે. પશુપાલકોના જણાવ્યા મુજબ ૨૦ કિલો મકાઇનું ભૂંસું ૧૨૦ રૂપિયે મળી રહ્યું છે.