પંજાબ નેશનલ બેંકના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની દેશ અને દુનિયાભરની મિલ્કતો જપ્ત કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં નીરવ મોદી દ્વારા આચરવામાં આવેલા ઓવર વેલ્યુએશન કૌભાંડમાં પણ તેની મિલકત જપ્તી અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે સુરત સ્થિત એકસાઈઝ અને કસ્ટમ વિભાગ કોર્ટમાં અરજી કરાશે. જેના પણ સુનાવણી કરવામાં આવશે. સુરત સ્થિત નીરવ મોદીની કંપનીઓમાં હીરાની નિકાસ કરી તેને પ્રોસેસ કરવામાં આવતા હતા. પ્રોસેસ એટલે કે હીરા પર પોલિશ કરી તેને જ્વેલરીમાં લગાવી વિદેશમાં વેચવામાં આવતા હતા. આ કિસ્સામાં નિરવ મોદીએ તમામ હીરાઓનું ઓવરવેલ્યુએશન કર્યું હતું. જેમાં અંદાજે રૂ ૪.૯૩ કરોડના ડાયમંડને ૯૩.૭૦ કરોડના દર્શાવ્યા હતાં. નીરવ મોદીના આ કૌભાંડ અંગે સુરત સ્થિત એક્સાઈઝ અને કસ્ટમ વિભાગ તથા ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સને માહિતી મળી હતી. જેને આધારે તપાસ કરાઈ હતી. આ તપાસમાં એવું સામે આવ્યું હતું કે, નીરવ મોદીની ત્રણ કંપનીઓ દ્વારા દુબઈ-કેનેડામાં હલકી કક્ષાની જ્વેલરીને ઓવેરવેલ્યુશન કરી વેચવામાં આવ્યા હતાં. નીરવ મોદીની ત્રણ કંપની પૈકી એક ફાયર સ્ટાર ઈનડાયમંડ પ્રા. લિ.એ રૂ. ૧.૨૦ કરોડની કિંમતનાં હીરાને રૂ ૩૩.૪૫ કરોડના દર્શાવ્યા હતાં.
તો તેવી જ રીતે ફાયર સ્ટોન પ્રા. લિ. દ્વારા રૂ ૧.૪૯ કરોડની કિંમતના હીરાને રૂ ૪૦.૩૬ કરોડના બતાવ્યા હતાં. આવી જ રીતે રાધા શ્રી જવેલર્સ પ્રા. લિ દ્વારા રૂ ૧.૧૪ કરોડની કિંમતના હીરાને રૂ. ૩૨.૫૬ કરોડ દર્શાવ્યા હતાં.