૩ સંતાનો સાથે પરણીતાને મરવા મજબુર કરનાર પતિ સહિત પાંચને ૧૦ વર્ષની કેદ

600

ઘોઘા તાલુકાના પડવા ગામે ચાર વર્ષ પૂર્વે સાસરીયાઓનાં ત્રાસથી કંટાળી જઇને ૩ માસુમ બાળકો સાથે પરણીતાએ કુવામાં ઝંપલાવતા ચારેયનાં મોત થયા હતા. આ બનાવનો કેસ આજે ભાવનગરનાં પાંચમા એડીશ્નલ સેશન્સ જજ વિજયસિંહ રાણાની અદાલતમાં ચાલી જતા. સરકારી વકીલ યાત્રીબેન પંડ્યાની દલીલો, આધાર, પૂરાવા અને સાક્ષીની જુબાની ધ્યાને રાખી અદાલતે પતિ, સાસરીયા પક્ષની ૩ મહિલા સહિત પાંચ ઇસમોને કસુરવાર ઠેરવી ૧૦-૧૦ વર્ષની સજા ફટકારી હતી.

આ બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘા તાલુકાના પડવા ગામે રહેતી પરણીતા મનિષાબેન પ્રવિણભાઇ બાંભણીયા દ્વારા તેના જેઠાણી દ્વારા વારો તારો રાખવા ઉપરાંત કામ બાબતે મેણા ટોણા મારી ત્રાસ આપતા હોવાની પતિ પ્રવિણ વેલજીભાઇ બાંભણીયાને ફરિયાદ કરતા પતિએ પત્નિનો પક્ષ લેવાના બદલે પત્નિને ધમકાવી હતી અને મોટા કહે તેમ કરવાનું અને બહુ બોલવાનું નહીં તેમ કહેતા મનિષાબેનને લાગી આવતા ૩ માસુમ સંતાનો અર્ચના (ઉ.વ.૪), અનિલ (ઉ.વ.૩), સેજલ (ઉ.વ.૫)ને ૧૦૦ ફુટ ઉંડા કુવામાં નાખી બાદમાં પોતે પણ ઝંપલાવતા ચારેયના મોત થયા હતા.

આ બનાવ સંદર્ભે તે સમયે પતિ પ્રવિણ વેલજીભાઇ બાંભણીયા, વેલજીભાઇ પરશોત્તમભાઇ બાંભણીયા, લાખુબેન વેલજીભાઇ બાંભણીયા, કેસરબેન ભાવેશભાઇ બાંભણીયા તેમજ શોભાબેન મહેશભાઇ કંટારીયા વિરૂદ્ધ પરણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી આપઘાત કરવા મજબુર બનાવ્યા અંગેની ફરીયાદ દાખલ થયેલ.

આ અંગેનો કેસ આજરોજ ભાવનગરનાં પાંચમા એડીશ્નલ સેશન્સ જજ વિજયસિંહ રાણાની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ યાત્રીબેન પંડ્યાની ધારદાર દલીલો, આધાર, પુરાવા, સાક્ષીને લઇને અદાલતે પતિ, ૩ મહિલા સહિત પાંચયને કસુરવાર ઠેરવી ૧૦-૧૦ વર્ષની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.

Previous articleઅલ્પેશ કથીરીયાને જેલ મુક્ત કરો, પાટીદારોએ આવેદન આપ્યું
Next articleસિહોરની સંસ્કૃતિ સ્કુલમાં યોજાયેલ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો