ગત તા.૧૧-૦૬-૧૫ ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મોટાસુરકા ગામે રહેતા પ્રવિણ ઉર્ફે પલ્લો સોમાભાઇ સુંદરવા (ઉ.વ.૨૦) તથા મહેશ ઉર્ફે મગન રામજી પરમાર (ઉ.વ.૨૫) એ એકબીજાને મદદગારી કરી સગીરાને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી પ્રવિણ ઉર્ફે પલ્લાની મદદગારીથી અપહરણ કરી ભગાડી લઇ જઇ મહેશ ઉર્ફે મગને સગીરાની મરજી વિરૂદ્ધ અવાર નવાર શારીરિક સંબંધ બાંધી બળાત્કાર, સંભોગ કરેલ. આ બનાવની ફરીયાદીએ સંબંધીત પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ પ્રવિણ ઉર્ફે પલ્લો સુંદરવા અને મહેશ ઉર્ફે મગન પરમારની સામે ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોસ્કો એક્ટની કલમ ૪ મુજબનો ગુન્હો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પાંચમાં એડીશ્નલ સેશન્સ જજ વિજયસિંહ રાણાની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ભરતભાઇ વોરાની દલીલો મૌખિક પુરાવા ૨૩, દસ્તાવેજી પુરાવા ૩૫, વિગેેરે ધ્યાન લઇ આરોપી નં.૧ પ્રવિણ ઉર્ફે પલ્લાની સામે આઇપીસી કલમ ૩૬૩નો ગુન્હો સાબિત માની આરોપીને ૭ વર્ષની કેદ અને રૂા.૧૫ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો છ મહિનાની સજા ઇપીકો કલમ ૩૬૬ મુજબના ગુન્હામાં આરોપીને સાત વર્ષની કેદની સજા અને રોકડ રૂા.૧૫ હજાર દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સજા અદલાતે ફટકારી હતી.
જ્યારે મુખ્ય આરોપી મહેશ ઉર્ફે મગન રામજી પરમાર સામે ઇપીકો કલમ ૩૬૩ મુજબનો ગુન્હો સાબિત માની સાત વર્ષની કેદની સજા અને રૂા.૧૫ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ છમાસની સજા ઇપીકો કલમ ૩૬૬ મુજબના ગુન્હામાં આરોપીને ૭ વર્ષની સજા અને રૂા.૧૫ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સજા જ્યારે ઇપીકો કલમ ૩૭૬ મુજબના ગુન્હામાં આરોપી મહેશને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા રૂા.૨૫ હજારનો દંડ દંડ ન ભરે તો ૧૦ માસની કેદની સજા. જુદી જુદી કલમો હેઠળ કુલ ૮૫ હજાર રોકડ દંડ પૈકીની રકમ વસુલ થયેથી ભોગ બનનારને રૂા.૫૦ હજાર વળતર પેટે ચૂકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.