ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના રોડ રસ્તા પર ફરતી લકઝરી બસો અંદાજે ૨૦૦ ઉપરાંત ટ્રાવેલ્સવાળા બસ માલિકોને મહાનગરપાલિકાનો વાહન આજીવન ટેક્ષ ન ભર્યો હોવાને કારણે સેવાસદને લાલ આંખ કરીને બધા ટ્રાવેલ્સવાળાઓને કડકાઇ ભરી નોટીસો ફટકારતા ટ્રાવેલ્સવાળાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
કમિશ્નર ગાંધીની કડકાઇ ભરી સૂચનાથી તથા ગુજરાત, રાજધાની, લીમડા, માયા, મઢુલી, વિગેરે મોટા ટ્રાવેલ્સના માલીકોને તાત્કાલીક વાહનનો આજીવન ટેક્ષ ભરી જવા નોટીસો વિગેરે દ્વારા કડક સૂચનાઓ આપી છે. સેવાસદન વર્તુળ દ્વારા એવી વિગતો પ્રાપ્ત થવામાં છે કે આવી લકઝરી બસો જેણે સેવાસદનનો ટેક્ષ ભર્યો નથી. તેવી બસોને લોક મારી દઇ બસો જપ્ત કરવા સુધીની આકરી તાકિદ કરાય છે. અને તા.૩૦ મી એપ્રિલથી આવી લકઝરી બસોને લોક મારી દેવાની સેવા સદન દ્વારા કડકાઇ ભરી કામગીરી થશે તેમ સેવાસદન વર્તુળ દ્વારા જાણવા મળે છે.
સેવા સદને પોલીસ ખાતાની જેમ લોકર પણ મેળવ્યા છે. આવા ૨૦ જેટલા લોકરોની ખરીદી પણ કરી લીધી છે. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાને વર્ષોથી વાહન કર ન ભરનાર મોટા ટ્રાવેલ્સોના માલીકોને આવી નોટીસો ફટકારી દેવાતા લકઝરી બસોના માલીકોમાં ઠીક ઠીક ફફડાટ મચી જવા પામ્યો છે.
સ્કુલોની મોટી બસોને પણ ભારે હરકત ઉભી થશે
લકઝરી બસોના ટ્રાવેલ્સ માલિકોને બસોનો આજીવન ટેક્ષ ન ભરતા બસોને લોક મારી દેવાની સેવાસદનની કામગીરીમાં સ્કુલોની બસો કે જે બસો એ ટેક્ષ ન ભર્યો હોય તેવી બસો કે પણ લોક મારી દેવાની પણ તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાય રહી છે.