ડેવિડ વોર્નરે પોતાની એક વધુ ધમાકેદાર ઈનિંગથી સનરાઇઝર્સ હૈદરાબાદને પ્લેઓફની નજીક પહોંચાડીને પોતાના આઈપીએલ અભિયાનનો સારો અંત કર્યા બાદ કહ્યું કે, ટી-૨૦ ટૂર્નામેન્ટ વિશ્વ કપ માટે મજબૂત આધાર છે. વોર્નરે સોમવારે આ સિઝનમાં પોતાની છેલ્લી મેચ રમી હતી. ત્યારબાદ તે વિશ્વ કપની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા પરત ફરશે. વોર્નરે મેચ બાદ કહ્યું, ’મારુ ધ્યાન હવે વિશ્વ કપ પર છે અને આ (આઈપીએલ) તેના માટે મજબૂત આધાર હતો.’ તેણે ઈંગ્લેન્ડમાં ૩૦ મેથી શરૂ થઈ રહેલા વનડે વિશ્વ કપમાં મોટો સ્કોર કરવાની ભવિષ્યવાણી કરી છે.
વોર્નરે કહ્યું, આ વિશ્વ કપમાં કેટલાક મોટા સ્કોર જોવા મળશે. આશા છે કે બોલ વધુ સ્વિંગ નહીં કરે. ઈંગ્લેન્ડ પોતાના મેદાન પર રમશે અને તેની ટીમ શાનદાર છે. અમે ડિફેન્ડિંગ ચેમ્પિયન છીએ અને અમારા માટે અમારા મજબૂત પક્ષોના દમ પર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું મહત્વનું રહેશે.