શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. સેંસેક્સ અને નિફ્ટી બંને આજે દિવસ દરમિયાન મોટાભાગે નકારાત્મક ઝોનમાં રહ્યા હતા. સેંસેક્સ કારોબારના અંતે ૩૬ પોઇન્ટ ઘટીને ૩૯૦૩૨ની સપાટીએ રહ્યો હતો. યશ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, હિરો મોટો, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડના શેરમાં સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. બ્રોડર નિફ્ટીમાં ૬.૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૭૪૮ રહી હતી. ૧૩૨૬ શેરમાં આજે કડાકો રહ્યો હતો જ્યારે એનએસઈમાં ૪૬૮ શેરમાં ઉથલપાથળ જોવા મળી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ ૩.૩૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી રિયાલીટીમાં ૨.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બ્રોડર માર્કેટમાં અન્ડરપરફોર્મની સ્થિતિ રહી હતી. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૭૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૮૮૯ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ૧૮૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૬૨૫ રહી હતી. યશ બેંકના શેરમાં છેલ્લા કેટલાક દિવસથી અભૂતપૂર્વ ઘટાડો થઇ ચુક્યો છે. નેશનલ સ્ટોક એક્સચેંજમાં તેના શેરમાં ભારે અફડાતફડી રહી છે. માર્ચ ત્રિમાસિક ગાળામાં નેટ નુકસાન ૧૫૦૬ કરોડ રૂપિયાનું રહેતા યશ બેંકના શેરમાં ૨૯.૨ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. પ્રાઇવેટ સેક્ટર બેંકમાં ત્રિમાસિક ગાળા દરમિયાન પ્રથમ વખત ત્રિમાસિક નુકસાન થયું છે. એક વર્ષના અગાઉના ગાળા દરમિયાન યશ બેંકના નેટ નફો ૧૧૭૯ કરોડ રહ્યો હતો. શેરબજારમાં સોમવારના દિવસે રજા રહ્યા બાદ આજે મંગળવારના દિવસે કારોબાર રહ્યો હતો. કાલે શેરબજારમાં ચૂંટણી હોવાના કારણે રજા રહી હતી. આતીકાલે પણ શેરબજારમાં સ્થાપના દિવસના દિવસે રજા રહેશે. મહારાષ્ટ્ર સ્થાપના દિવસની ઉજવણી આવતીકાલે કરવામાં આવનાર છે. એશિયન શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બેજિંગ દ્વારા વિકાસના માર્ગ ઉપર પરત ફરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં વિશ્વની બીજી સૌથી મોટી આર્થિક સત્તામાં નબળાઈ જોવા મળી રહી છે. કોરિયન શેરમાં ૧.૩ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં સતત ત્રીજા મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં જંગી નાણાં ઠાલવી દીધા છે. માઇક્રો ઇકોનોમિક સ્થિતિ અને અન્ય સ્થિતિના લીધે વિદેશી મૂડીરોકાણકારોએ ૧૭૨૧૯ કરોડ રૂપિયા એપ્રિલ મહિનામાં ઠાલવી દીધા છે. વિદેશી રોકાણકારોએ આ મહિનામાં પહેલીથી ૨૬મી એપ્રિલ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૨૧૦૩૨.૦૪ કરોડ રૂપિયા ઠાલવ્યા છે પરંતુ ડેબ્ટ માર્કેટમાંથી આ ગાળા દરમિયાન ૩૮૧૨.૯૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૧૭૨૧૯.૧૦ કરોડ રૂપિયા રહ્યો છે.