રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈ સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે આજે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ છે. સવારે શરૂ થયેલી આ કોન્ફરન્સમાં ચાર મહાનગરોના પોલીસ કમિશનર અને તમામ જિલ્લાના પોલીસ વડાઓ હાજર રહ્યા છે. ક્રાઈમ કોન્ફરન્સમાં જિલ્લામાં થયેલા ગુનાઓ અને તેની સામે લેવાયેલા પગલા અંગેની ચર્ચાઓ કરવામાં આવી છે. ગુજરાતમાં દિવસ-દિવસે સામાન્ય બાબતે અપહરણની ઘટનાઓ તેમજ હત્યાના બનાવો વધ્યા છે. ખાસ કરીને સુરત શહેરમાં અને રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખુબ જ કથળી છે. જેને લઈને પોલીસ વડાએ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.
સીરિયલ કિલરને તાત્કાલિક પકડવા આદેશઃ તાજેતરમાં ભાવનગરમાં ચાર દિવસમાં ચાર હત્યાના બનાવો બન્યા છે. અમદાવાદમાં પણ ગુનાખોરીના પ્રમાણમાં વધારો થયો છે. આ સમગ્ર બાબતને લઈ ક્રાઈમ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી છે. ઉપરાંત બનતા ગુનાઓને અટકાવવા જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા છે. ખાસ કરીને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સીરિયલ કિલર હજી સુધી ઝડપાયો નથી તેને લઈને પણ પોલીસ વડાએ જિલ્લા એસપી મયુર ચાવડાને સીરિયલ કિલરને તાત્કાલિક પકડવા આદેશ કર્યા છે તેવું જાણવા મળ્યું છે.