ઓએનજીસીની ટ્રેકલાઇનમાં ભંગાણ : આઠ વીઘા જમીનમાં તેલ ભરાયું

547

બહુચરાજી તાલુકાના પ્રતાપનગર ગામે ઓએનજીસીની ટ્રેકલાઇનમાં ભંગાણ પડતાં ખેડૂતોની આઠ વીઘા જમીનમાં તેલ પથરાઇ ગયું છે. જેના કારણે ખેડૂતો ખેતી કરી શકે તેમ નથી. જેને લઇ ખેડૂતો દ્બારા નુકસાન વળતર નહીં ચૂકવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પ્રતાપનગર ગામના ખેડૂત ચંદુભાઇ ગણેશદાસ પટેલે જણાવ્યું કે, ઓએનજીસી દ્વારા સંપાદન કરાયેલી જમીન સર્વે નંબરમાં ૧૭૪૯ અને ૧૭૫૨માં તંત્રની બેદરકારીની કારણે ટ્રેકલાઇન તૂટવાથી ૮ વીઘા જમીનમાં તેલ ભરાઇ ગયું છે. જેને કારણે ખેડૂતો અહીં ખેતી કરી શકતા ન હોઇ મોંઘવારીમાં જીવન જીવવુ મુશ્કેલ છે. બીજીબાજુ, આ અંગે ઓએનજીસી સમક્ષ વારંવાર રજૂઆત કરવા જતાં ખેડૂતોને નુકસાન વળતર આપવામાં ઠાગાઠૈયા કરે છે. જેના કારણે ખેડૂતો લાચાર બની ગયા છે.

એકબાજુ દુકાળ જેવી સ્થિતિ અને બીજી બાજુ ઓએનજીસીના રોડ બનાવીને પાણી રોકી ખેડૂતોને ૧૫ વર્ષથી પાકમાં નુકસાન થઇ રહ્યું છે. ત્યાં ફરીથી ખેડૂતોના ખેતરમાં તેલ ભરાતાં તેમની આજીવિકા પર ઘા થયો છે.

ઓએનજીસી દ્વારા ખેડૂતોને ન્યાય નહીં અપાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે. આ મામલે જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરાનાર છે.

Previous articleગુજરાતમાં ચેઈન સ્નેચિંગ કરનાર ગુનેગારોને હવે ૧૦ વર્ષની સજા અને ૨૫ હજારનો દંડ
Next articleબાપુ કોલેજના ફાર્મસી કેમ્પસમાં ઈન્ટરવ્યું યોજાયા