ભારત અને જાપાનના વડાપ્રધાનની મુલાકાત સંબંધે ગાંધીનગરમાં ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા

1102
gandhi1382017-41.jpg

ગુજરાતની ભૂમિ ઉપર પ્રથમવાર એક સાથે ભારત અને જાપાનના વડાપ્રધાનના આગમનથી દેશઅને રાજ્યના બિઝનેસ ક્ષેત્રે નવો અધ્યાય ઉમેરાશે અને ગુજરાતનો વધુ સર્વાંગી વિકાસ શક્ય બનશે. 
ઇન્ડિયા-જાપાન એન્યુઅલ બિઝનેસ સમિટ-૨૦૧૭ને લઇને ગાંધીનગરમાં મહાત્મા મંદિર, રાજભવન અને રોડ એમ ત્રણ ભાગમાં સઘન સુરક્ષા-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેમ આજે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ  મહાત્મા મંદિર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું. 
સુરક્ષા અને સલામતીના ભાગરૂપે સમગ્ર ગાંધીનગરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. જેમાં ૧ આઇ.જીપી, ૬ એસ.પી., ૨ એ.એસ.પી., ૩૫ ડીવાય. એસ.પી., ૭૦ પી.આઇ, ૧૫૦ પી.એસ.આઇ. સહિત ૧,૮૦૦ થી વધુ અધિકારી/ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. આ બન્ને મહાનુભાવોની સલામતી માટે સ્થાનિક પોલીસ, એસપીજી અને જાપાન સુરક્ષા એજન્સીઓ સુરક્ષાના પ્રોટોકોલ મુજબ સજ્જ છે. 
પ્રધાનમંત્રીના આગમનને લઇને મહાત્મા મંદિર, રાજભવન અને એરપોર્ટથી લઇને સમગ્ર રૂટ દરમિયાન સઘન સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. સમગ્ર મહાત્મા મંદિરનું ૩૦૦ જેટલા સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવનાર છે. ૧૦ જેટલા બેગેજ સ્કેનર, ડીએફએમડી અને એચએચએમ ડી થી ફુલ પ્રુફ ચેકિંગ કરવામાં આવશે. 
મંત્રી જાડેજાએ મહાત્મા મંદિરમાં મેઇન કન્વેશન હૉલ, વીવીઆઇપી લોન્જ જેવા વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત લઇને ઉચ્ચ અધિકારીઓ સાથે સલામતી અને સુરક્ષા અંગે વિગતે ચર્ચા કરીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા જરૂરી સૂચનો કર્યા હતા.

Previous articleબ્લુ વ્હેલથી ખતરનાક ખેતી જેમાં છેલ્લે આત્મહત્યા : ખેડુતોનો આક્રોશ આવેદન
Next articleજાપાનના વડાપ્રધાનના સ્વાગત માટે ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ