ઉ.પ્રદેશમાં ભાજપ ૧૭ બેઠકો પણ જીતી નહિ શકેઃ મમતા બેનર્જીનો દાવો

595

ચૂંટણી પંચે અત્યાર સુધી ચાર તબક્કાનું મતદાન સંપન્ન કરાવ્યું છે. હજી ત્રણ તબક્કા માટે મતદાન યોજનાર છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઉત્તર પ્રદેશ માટે ભાજપનું ભવિષ્ય ભાખ્યું છે. મમતાએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભાજપને ૧૭ બેઠક પણ નહીં મળે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠકો છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપનો ૮૦માંથી ૭૦ બેઠક પર વિજય થયો હતો. મમતા બેનરજીએ કહ્યું કે, “ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સાતથી આઠ બેઠક જીતશે, જ્યારે અખિલેશ અને માયાવતી સારો દેખાવ કરશે.

વડાપ્રધાન મોદી વિપક્ષને ’ખિચડી’ કહી રહ્યાના સવાલ પર જવાબ આપતા મમતાએ કહ્યું કે, “ખિચડીમાં ખોટું શું છે. તમે ભાત ખાઈ શકો છો, દાળ, બટેટા કે પછી કઢી પણ ખાઈ શકો છો. ખિચડીમાં આ તમામ વસ્તુઓ એકસાથે નાખવામાં આવે છે. મને ગુંડા તરીકે ચિતરવામાં આવી રહી છે પરંતુ હું આવી રીતે વાત નથી કરતી.

પૂર્વ વડાપ્રધાન સાથે સરખામણી કરવા અંગે જ્યારે મમતાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, “હું તેમની કોઈ પણ સાથે સરખામણી ન કરી શકું. તેઓ ફાંસીવાદીથી પણ ખરાબ બની ગયા છે. બંગાળમાં તેઓએ જે કર્યું છે તે કટોકટી કરતા પણ વધારે છે. તેઓ બધુ ચલાવી રહ્યા છે. તમામ ઓફિસરોને ચૂંટણી પંચ હેઠળ મૂકી દીધા છે. બીજેપી સમાંતર સરકાર ચલાવી રહી છે. દરેક જગ્યાએ તેઓ અઢળક પૈસા ખર્ચી રહ્યા છે.

Previous articleકથિત ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ પ્રથમવાર મંત્રી વાસણ આહીરની સચિવાલયમાં પહોંચ્યા
Next articleકેરળ : આઇએસ ત્રાસવાદી ઝડપાયો, ખતરો ટળ્યો