બળાત્કાર કેસમાં નારાયણ સાંઇને આજીવન કેદ

744

વર્ષ ૨૦૧૩માં સુરતની સાધિકા બહેનોએ નારાયણ સાંઈ સામે નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના ચકચારભર્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એસ.ગઢવીએ આજે બહુ મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો અને ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં કોર્ટે આરોપી નારાયણ સાંઇને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી. કોર્ટે નારાયણ સાંઇને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.સાથે સાથે આ કેસમાં ભોગ બનનાર પીડિતાને રૂ.પાંચ લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે નારાયણ સાંઇને હુકમ કર્યો હતો. કોર્ટે નારાયણ સાંઇના સેવકો એવા ગંગા-જમના અને હનુમાનને પણ આ કેસમાં દસ-દસ વર્ષની સખત કેદની આકરી સજા ફટકારી હતી. જયારે આરોપી રમેશ મલ્હોત્રાને છ મહિનાની કેદની સજા કરી હતી. કોર્ટે આ તમામ આરોપીઓને રૂ.પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. સમગ્ર દેશમાં દાખલો બેસાડે તે પ્રકારનો સુરત સેશન્સ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો જારી કરતાં ન્યાયિક વર્તુળ અને પોલીસ તંત્ર ઉપરાંત, સમાજમાં પણ ચુકાદાની વાહવાહી થઇ રહી છે. અગાઉ કોર્ટે તા.૨૬મી એપ્રિલના રોજ નારાયણ સાંઇ સહિત કુલ પાંચ આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા અને જે પ્રકારે નારાયણ સાંઇ સહિતના આરોપીઓને આજીવન કેદ સહિતની સજાની જે પ્રકારે શકયતાઓ સેવાઇ રહી હતી, તે જ મુજબની સજા સુરત સેશન્સ કોર્ટે નારાયણ સાંઇ સહિતના પાંચેય આરોપીઓને ફટકારી હતી, જેને પગલે આસારામ, નારાયણ સાંઇના સાધકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

સુરતની સાધિકા બહેનો સાથે દુષ્કર્મના કેસનો ખૂબ જ મહત્વનો અને સંવેદનશીલ ટ્રાયલ છ વર્ષ સુધી ચાલ્યો હતો. જેમાં સુરત સેશન્સ કોર્ટે આજે મહત્વનો ચુકાદો જાહેર કરી મુખ્ય આરોપી નારાયણ સાંઇને જન્મટીપ, ગંગા, જમના અને હનુમાનને દસ-દસ વર્ષ અને રમેશને છ મહિનાની સજા સંભળાવી  હતી. ઉલ્લેખનીય છે કે, સાધિકા બહેનો દ્વારા ૧૦ વર્ષ જૂના કેસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસ દ્વારા સાધિકા બહેનોનું કોર્ટમાં ૧૬૪ મુજબનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ નિવેદનના આધારે જ આખરે કેસ નોંધાયો હતો અને નારાયણ સાંઈ પકડાયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. પીડિતાની નાની બહેનના કારણે નારાયણ સાંઈ વિરુધ્ધ પુરતા પુરાવા અને દરેક લોકેશનની ઓળખ થઈ હતી. જ્યારે મોટી બહેને આસારામ વિરુધ્ધ કેસ નોંધાવ્યો હતો. નારાયણ સાંઈ વિરુધ્ધ ૫૩ સાક્ષીઓઓએ જુબાની નોંધાઈ હતી. જેમાંથી અમુક મહત્વના સાક્ષીઓ પણ છે જેમણે નારાયણ સાંઈ દ્વારા હવસના શિકાર બનાવાયાનું નજરે જોયું છે અથવા તો આરોપીઓને મદદ કરી હતી પરંતુ બાદમાં તેઓ સાક્ષી બની ગયા હતાં. દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ મુખ્ય આરોપી હતો, જ્યારે પાંચ આરોપીઓને પણ દોષિત જાહેર કરવામાં આવ્યાં હતા. જેમાં ગંગા ઉર્ફે ભાવના અને જમના ઉર્ફે ધર્મિષ્ઠાને દુષ્કર્મ બાદ નવડાવવી અને અવાજ ન ઉઠાવવા સમજાવવું- બ્રેઈન વોશ કરવું તથા એકવાર અવાજ ઉઠાવ્યો ત્યારે માર મારવાનો રોલ હતો. જ્યારે હનુમાન ઉર્ફે કૌશલ ઠાકુર- નારાયણ સાંઈનો ડ્રાઈવર કમ બોડીગાર્ડ હતો. હનુમાન દરેક દુષ્કર્મમાં સાથે જ હતો. રમેશ મલ્હોત્રા ઉર્ફે રાજકુમાર મલ્હોત્રાએ નારાયણ સાંઈને ભાગવામાં મદદ કરી હતી પોતાની કાર આપી હતી. નારાયણ સાંઈ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ સી, ૩૭૭, ૩૫૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૧૨૦ બી, અને ૧૧૪ લગાડવામાં આવી હતી. ગંગા અને જમના સામે કલમ ૧૨૦ બી પ્રમાણે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એડિશનલ જજ પી.એસ.ગઢવીએ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો.

Previous article૧૫મી જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયાને પૂર્ણ કરવા હુકમ
Next articleબાળકોમાં થતો ઝાડાનો રોગ