મિત્રની હત્યા કરનાર મિત્રને આજીવન કેદ

1143

એક વર્ષ પૂર્વે ભાવનગર શહેરના ખારગેઇટ વિસ્તારમાં આવેલ હિંમતભાઇ પૂરીશાકવાળાની શેરીમાં થયેલ યુવાનની હત્યાના આરોપી સામેનો કેસ આજરોજ મંગળવારે ભાવનગર ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, આધાર, પૂરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઇ આરોપી સામેનો ગુનો સાબિત માની આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી.

આ કેસની જાણવા મળતી વિગતો મુજબ બરોબર એક વર્ષ પૂર્વે ગત તા.૩૦-૦૪-૧૯ ના રોજ રાત્રીના દોઢ વાગ્યાના સુમારે રાહુલભાઇ ઉર્ફે લાલો અનુભાઇ બારૈયા કોળી (રહે.પ્રભુદાસ તળાવ, મફતનગર) તથા તેમના પત્ની, પિતાજી, તથા બા ઘરે સુતા હતા તે વેળાએ તેમના લત્તામાં રહેતો તેમનો મિત્ર સંજય આણંદભાઇ બારૈયા દોડતો દોડતો ઘરે આવી બારણું ખખડાવી બૂમ પાડતા તેમણે ઘરની બહાર આાવી જોયું તો સંજયભાઇ ખુબ જ ગભરાયેલા હોઇ તેથી તેમણે તેને પૂછતા તેણે કહેલ કે, તમારા ભાઇ અજયભાઇ ઉર્ફે નનકુ ને તેના મિત્ર દિપક ઉર્ફે પેટી જગદીશભાઇ બાંભણીયા કોળી (ઉ.વ.૨૪)એ ભાવનગર શહેરના ખારગેઇટ વિસ્તારમાં હિંમતભાઇ પૂરીશાકવાળાની શેરીમાં તલવારના ઘા મારેલ છે અને લોહીલૂહાણ પડેલ છે. અને હું ગભરાઇ જતા દોડીને તમને કહેવા આવેલ છું. આમ વાત કરતા ફરીયાદી રાહુલભાઇ તથા સંજય બંને જણા મોટરસાયકલ ઉપર બનાવ સ્થળે જતા ત્યાં ઘણા માણસો એકત્રીત થઇ ગયેલ હતા. ત્યારબાદ ફરીયાદી તથા સંજયભાઇ તથા અન્ય લોકો અજયભાઇ ઉર્ફે નનકુને સારવાર માટે સર.ટી.હોસ્પીટલે લઇ ગયેલ જ્યાં તેમનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવમાં મરણજનાર અજય ઉર્ફે નનકુ અને તેનો મિત્ર દિપક ઉર્ફે પેટી બંને ખાસ મિત્રો હોય જેથી આરોપી દિપકે દારૂ પીવાના પૈસા માંગતા અજયે તે માટે પૈસા નહી આપતા દિપક એકદમ ઉશ્કેરાઇ જઇ રાત્રીના દોઢ વાગ્યાના સુમારે અજયને તલવારના ઘા માથા તથા ડોકના ભાગે મારી દેતા ગંભીર રીતે ઘવાયેલા અજયનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે રાહુલભાઇ ઉર્ફે લાલો અનુભાઇ બારૈયાએ જે તે સમયે સ્થાનિક સી. ડીવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી દિપક ઉર્ફે પેટી જગદીશ બારૈયા સામે ઇપીકો કલમ ૩૦૨, તથા જીપીએક્ટ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ સુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, મૌખિક પુરાવા – ૯, દસ્તાવેજી પુરાવા ૩૮, વિગેરે ધ્યાને લઇ દિપક ઉર્ફે પેટી જગદીશ બારૈયા (ઉ.વ.૨૪) સામેનો ગુનો સાબિત માની આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સદા તથા રૂા.૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

Previous articleમહાપાલીકા દ્વારા વાહનવેરો વસુલવાની ઝુંબેશ હાથ ધરાઇ
Next articleવીવીપેટ સ્લીપ ગણતરીની માંગ કરતા કાર્યકરોની અટકાયત