માધ્યમિક વિભાગ માટે જાન્યુઆરી મહિનાની ૨૭મી તારીખે ટાટ ૧ની પરિક્ષા લેવામાં આવ્યા પછી ૩ મહિના પસાર થઇ જવા છતાં રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. પરિણામે રોષે ભરાયેલા ઉમેદવારોએ મંગળવારે બોર્ડના અધ્યક્ષને આવેદનપત્ર પાઠવવાની સાથે કચેરીની બહાર દેખાવો કર્યા હતા. ગાંધીનગર જિલ્લાના ૧૧, ૯૪૩ સહિત રાજ્યભરના ટાટની પરિક્ષા આપનારા ઉમેદવારો પરિણામ જાહેર થાય તેના માટે વિનંતીઓ કરી રહ્યાં છે. પરંતુ બોર્ડના કાને તેની રજૂઆત સંભળાતી નથી.
ટાટ ઉમેદવાર સૂચિત કમિટીના સભ્ય એવા ઉમેદવારોએ જણાવ્યું કે સૌ પ્રથમ તારીખ ૨૯મી ઓગસ્ટ ૨૦૧૮ના રોજ પરિક્ષા લેવાઇ હતી. પરંતુ પેપર ફૂટી ગયાની વાતને લઇને તપાસના અંતે નવેસરથી પરિક્ષા લેવાનું આયોજન કરાયુ હતું. જે તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે લેવાઇ હતી અને કોઇ વિવાદ થયા ન હતા. પરંતુ પરિણામ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.
ટાટ ૧ની પરિક્ષાનું રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં નહીં આવતા રોષે ભરાયેલા ઉમેદવારોએ બોર્ડના અધ્યક્ષને આવેદનપત્ર પાઠવવાની સાથે કચેરીની બહાર દેખાવો કર્યા હતા. એપ્રિલ મહિનામાં બોર્ડ તરફથી જણાવાયુ હતું કે ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી જતાં પરિણામ જાહેર કરવા મુદ્દે પંચની મંજુરી માટે ફાઇ લ મોકલાઇ છે. ઉમેદવારોએ ૨૯મી એપ્રિલે પંચ’માં રૂબરૂ તપાસ કરી ત્યારે જવાબ મળ્યો હતો કે બોર્ડ ફરીવાર ફાઇલ મોકલશે તો મંજુરી મળી જશે.