ગુજરાત સ્થાપના દિવસના દિવસે જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસસ દ્વારા પણ પુષ્પાંજલિ કાર્યક્રમો યોજાયા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપના ધારાસભ્યો મારા સંપર્કમાં છે અને ૨૩ મે પછી ભાજપ સરકાર તૂટી જશે તેવું નિવેદન આજે ૧લી એપ્રિલ (એપ્રિલ ફુલ) સમજીને વાત કરી લાગે છે પરંતુ આજે ૧લી મે, ગુજરાતનો સ્થાપના દિવસ છે. ગુજરાતની જનતાની સેવા માટે ભાજપ અકબંધ છે અને રહેશે. તેમના આ પ્રકારના સ્વપ્નો કયારેય પૂરાં નહીં થાય. તેમની પાર્ટી નવી હશે ટેપરેકર્ડ નવું હશે, પરંતુ કેસેટ તેમણે જૂની જ વગાડી છે. તેમણે કરેલાં તમામ જૂઠ્ઠા આક્ષેપોને ભાજપ વખોડી કાઢે છે. આ બધાં જૂઠ્ઠા આક્ષેપોને ગુજરાતની જનતાએ જાકારો આપીને ભાજપને ગુજરાતમાં જીતાડી હતી.
અને ૨૩મી મે – એ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર બનશે તેવો અમને વિશ્વાસ છે. પંડયાએ જણાવ્યું હતું કે, આપણાં ગુજરાતના કોઈ વ્યક્તિ ફરીથી દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યાં હોય ત્યારે ૧લી મે ગુજરાતના સ્થાપના દિવસે કોઈ ગુજરાતીની ઈર્ષ્યા ન કરવી જોઈએ અને ઉદારમને મોદીને શુભેચ્છા આપવી જોઈએ. જો શંકરસિંહ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ કે કોઈ રાજયના ગર્વનર બનશે અને જો અહેમદ પટેલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તો અમે તેમને ગુજરાતી તરીકે શુભેચ્છા આપીશું. આ લોકો માત્ર ગુજરાતના નેતૃત્વ નરેન્દ્ર મોદીની ઈર્ષ્યા કરીને ખોટી રીતે બદનામ કરવા જ સતત પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષ ગુજરાતને, ગુજરાતની જનતાને, ગુજરાતના નેતૃત્વને ટાર્ગેટ કરીને માત્ર બદનામ કરવા પ્રયાસ કરે છે. તેથી જ ગુજરાતની જનતા કોંગ્રેસ કે અન્ય પાર્ટીને સમર્થન આપતી નથી. પંડયાએ જણાવ્યું હતું કે,ગુજરાતના સ્થાપના દિવસે નેગેટીવ વાત કરવાને બદલે પોઝીટીવ વાત કરવી જોઈએ, પ્રતિજ્ઞામાં ઉખેડવાને બદલે ઉછેરવાની વાત કરવી જોઈએ. પંડયાએ જણાવ્યું હતું કે, આતંકવાદ સામે લડાઈ લડવા માટે અને સર્જીકલ અને એર સ્ટ્રાઈક સમયે વિશ્વ આખું ભારતની પડખે ઊભું રહીને દેશના સૈનિકો અને દેશના નેતૃત્વના એકશનની સરાહના કરી હોય ત્યારે દેશનો વિપક્ષ પાકિસ્તાનની પડખે ઊભાં રહીને દેશના સૈનિકોના પરાક્રમ સામે શંકા ઊભી કરીને પુરાવા માંગવા એ દેશહિત વિરોધમાં જ ગણાય.