રાજ્ય સરકારના કરૂણા અભિયાન તથા શહેરની જાગૃત સંસ્થા રાજહંસ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે ઉત્તરાયણ પર્વ અન્વયે પતંગ-દોરીથી ઘવાતા પક્ષીઓ માટે વિશેષ કેમ્પ તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે પક્ષીઓના મૃત્યુ દરમાં ખાસ્સો ઘટાડો નોંધાયો હતો.
તા.૧૩ જાન્યુઆરીથી ર૦ જાન્યુઆરી સુધી રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં ૩૬પ દિવસ પશુ-પક્ષીઓને બચાવવા માટે કાર્યરત શહેરની જાણીતી સંસ્થા રાજહંસ નેચર ક્લબ પોતાના વિશાળ વોલેન્ટર્સના કાફલા સાથે આ ઉમદા કામગીરીમાં સહભાગી થઈ હતી. શહેરના નવાપરા ખાતે આવેલ વેટરનરી હોસ્પિટલ ખાતે કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં મકરસંક્રાંતિના દિવસે શહેરના દરેક વિસ્તારમાંથી ઘવાયેલ પંખીઓને લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર લઈને ઓપરેશન સહિતની સઘન સારવાર આપી ભયમુક્ત કરવામાં આવ્યા હતા. સામાન્ય ઈજા સાથે લાવવામાં આવેલ ગગનવિહારીઓને પ્રાથમિક સારવાર આપી નૈસર્ગિક વાતાવરણમાં પૂનઃ છોડી મુકવામાં આવ્યા હતા.
સમગ્ર કામગીરીમાં વેટરનરી ડો.માળી તથા રાજહંસ નેચર ક્લબના જલ્પેશ ચૌહાણ, હર્ષદ રાવલીયા, મલય બારોટ, કૃણાલ શાહ, આશિષ ઘોઘારી, મેહુલ ગાંધી, તેજસ પાઠક, ઈશાની સોમાણી, પાયલ મકવાણા, સ્વિકૃતિ દેસાઈ, ઋચી ગોંડલીયા, વિધિ દિવાકર સહિતના સભ્યો જોડાયા હતા.
ર દિવસમાં કુલ ૩૧ પક્ષીઓના મોત
ઘવાયેલ પક્ષીઓ માટે અલગ-અલગ કુલ ૩ ઝોન ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં શેડ્યુઅલ ૧ (આરક્ષીત પ્રજાતિ)ના પક્ષીઓની સારવાર માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા વિક્ટોરીયા પાર્ક ખાતે કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો તથા ગંગાજળીયા તળાવ સ્થિત પક્ષી-એનિમલ ફેર સેન્ટર ખાતે આરક્ષીત સિવાયની પ્રજાતિ ખાસ કરીને કબુતર સહિત શાકાહારી પક્ષીઓ માટે અને નવાપરા ખાતે કરૂણા અભિયાન તથા રાજહંસ નેચર ક્લબ દ્વારા પ્રાથમિક સારવાર માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. વિક્ટોરીયા પાર્ક ખાતે તા.૧૪-૧ના રોજ કુલ ૮૦ પક્ષીઓ ઈજાગ્રસ્ત હાલતે લાવવામાં આવ્યા હતા. જે પૈકી ૧૩ પક્ષીઓ લાવવામાં આવ્યા હતા. જે પૈકી ૧૮ પંખીઓના જીવ ઈજાના કારણે ગયા હતા. હજુ પણ હેલ્પલાઈન તથા કેમ્પ શરૂ છે.
– ધવલ પટેલ, ફોરેસ્ટર, વિક્ટોરીયા પાર્ક