આઈસીસીના રેન્કિંગમાં ભારત અને ઈંગ્લેન્ડ શ્રેષ્ઠ વન-ડે અને ટેસ્ટ ટીમની યાદીમાં ટોચના સ્થાને રહ્યા છે. આ ક્રમાંકની ગણતરીમાં ૨૦૧૫-૧૬ની સિરીઝની બાદબાકી કરાયા બાદ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ના પરિણામના ૫૦ ટકાને જ ધ્યાનમાં લેવાયા હોવાનું આઈસીસીએ એક નિવેદનમાં જાહેર કર્યું હતું.
વર્લ્ડ કપના પ્રારંભમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઈંગ્લેન્ડની ટીમ વન-ડેમાં મોખરે પહોંચી ગઈ છે. જ્યારે ભારતે પણ ટોચનું પ્રદર્શન દાખવી ઇંગ્લેન્ડ કરતાં બે પોઈન્ટ પાછળ રહ્યું છે. આમ તેણે ઇંગ્લેન્ડ વચ્ચેનો ગેપ ઘટાડી દીધો છે.
ટેસ્ટ ક્રમાંકમાં બીજા ક્રમે રહેલું ન્યૂઝીલેન્ડ ટોચના ક્રમે રહેલી ભારતીય ટીમ સામેની સરસાઈ અગાઉના આઠ પોઈન્ટથી ઘટાડીને બે પોઈન્ટ જ પાછળ રહ્યું છે. અગાઉ ભારતીય ટીમના ૧૧૬ પોઈન્ટ અને ન્યૂઝીલેન્ડના ૧૦૮ પોઈન્ટ હતા. જોકે વિરાટ કોહલીની ટીમે સાઉથ આફ્રિકા સામે મેળવેલી ૩-૦ની સફળતા અને શ્રીલંકા સામેના ૨-૧ના વિજય ૨૦૧૫-૧૬માં નોંધાયા હોવાથી તેમાં સુધારો કરાતા ભારતીય ટીમને ત્રણ પોઈન્ટનું નુકસાન થયું હતું જ્યારે ન્યૂઝીલેન્ડનો આ ગાળામાં ઓસ્ટ્રેલિયા સામે ૨-૦થી પરાજયને પણ દૂર કરાતા તેને ત્રણ પોઈન્ટનો લાભ થયો હતો.