ઉથલપાથલ વચ્ચે સેંસેક્સ ૫૦ પોઇન્ટ ઘટી બંધ રહ્યો

423

શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. આઈટી અને ફાર્માના શેરમાં તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૫૦ પોઇન્ટ ઘટીને ૩૮૯૮૧ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૯૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. તાતા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ફોસીસ, એચસીએલ ટેકમાં સૌથી વધારે નુકસાન થયું હતું. ૩૦ શેર પૈકી ૧૫ શેરમાં તેજી રહી હતી જ્યારે અન્ય શેરોમાં મંદીનો માહોલ રહ્યો હતો. નિફ્ટીમાં ૧૧૭૫૦ની સપાટી જળવાઈ ન  હતી. નિફ્ટી કારોબારના અંતે ૨૩ પોઇન્ટ ઘટીને ૧૧૭૨૫ની સપાટી પર રહ્યો હતો. આશરે ૧૦૫૩ શેરમાં તેજી રહી હતી. ૧૪૪૨ શેરમાં મંદી રહી હતી. ૧૬૩ શેરમાં યથાસ્થિતિ જોવા મળી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં સૌથી વધુ ૧.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજીના શેરમાં કડાકો બોલી ગયો હતો. નિફ્ટી મિડિયા ઇન્ડેક્સમાં પણ એક ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૯૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૭૯૮ રહી હતી. એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૪૫૯૩ની સપાટી રહી હતી. એસ્કોર્ટના શેરમાં આઠ ટકાનો ઘટાડો રહ્યો હતો. જેટ એરવેઝના શેરમાં પણ મોડેથી રિકવરીનો માહોલ જામ્યો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં સતત ત્રીજા મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં જંગી નાણાં ઠાલવી દીધા છે. માઇક્રો ઇકોનોમિક સ્થિતિ અને અન્ય સ્થિતિના લીધે વિદેશી મૂડીરોકાણકારોએ ૧૭૨૧૯ કરોડ રૂપિયા એપ્રિલ મહિનામાં ઠાલવી દીધા છે. વિદેશી રોકાણકારોએ આ મહિનામાં પહેલીથી ૨૬મી એપ્રિલ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૨૧૦૩૨.૦૪ કરોડ રૂપિયા ઠાલવ્યા છે પરંતુ ડેબ્ટ માર્કેટમાંથી આ ગાળા દરમિયાન ૩૮૧૨.૯૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૧૭૨૧૯.૧૦ કરોડ રૂપિયા રહ્યો છે.  આંકડા દર્શાવે છે કે વિદેશી મૂડીરોકાણકારોએ અગાઉના બે મહિનામાં જંગી નાણા ઠાલવ્યા હતા. એશિયન શેરબજારમાં પણ અફડાતફડી જોવા મળી રહી છે. જેટ એરવેઝના શેરની હાલત કફોડી બની છે. સવારમાં તેના શેરની કિંમત બાવન સપ્તાહની નીચી સપાટી પહોચી ગઈ હતી. દેવામાં ડૂબેલા એરલાઈન માટે કોઇપણ બિડરો રસ દર્શાવી રહ્યા નથી તેવા અહેવાલ આવ્યા બાદ અફડાતફડી જોવા મળી રહ છે. આ શેર ૧૨મી માર્ચ ૨૦૦૯ના દિવસે ઓલટાઈમ નીચી સપાટીએ પહોંચી ગયા હતા.

Previous articleઆઇસીસી રેન્કિંગઃ  ટેસ્ટ ટીમની યાદીમાં ભારત અને વન-ડેમાં ઇંગ્લેન્ડ ટોચ પર
Next articleહિમાચલમાં ૨૫ કરોડ વર્ષ જૂના વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા