૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે સીબીએસઇની પરીક્ષા વહેલી લેવામાં આવી હતી અને ગુરુવારે સીબીએસઇના ધોરણ-૧૨ના પરિણામ જાહેર કરાયા હતા. સીબીએસઇએ એક સાથે તમામ ૧૨ ઝોનના પરિણામ જાહેર કરી દીધા છે. ધોરણ-૧૨માં ૧૩ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૮૩.૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.સૌથી વધુ પરિણામ કેરળના ત્રિવેન્દ્રમનું છે. જ્યાં ૯૮.૨ ટકા વિદ્યાર્થી પાસ થયા છે. બીજા સ્થાને ૯૨.૯૩ ટકા સાથે ચેન્નાઇ છે, દિલ્હી ૯૧.૭૮ ટકા સાથે ત્રીજા ક્રમે છે. ગાઝિયાબાદની હંસિકા શુક્લા અને મુઝફ્ફરનગરની કરિશ્મા અરોરાએ સંયુક્ત રીતે ટોપ કર્યું છે. બંનેએ ૫૦૦માંથી ૪૯૯ માર્ક મેળવ્યા છે. બીજા ક્રમે ઋષિકેશની ગૌરાંગી ચાવલા, રાયબરેલીની એશ્વર્યા અને જિંદ(હરિયાણા)ની ભવ્યા છે. જેમણે ૪૯૮ માર્ક મેળવ્યા છે. ત્રીજા સ્થાને કુલ ૧૮ વિદ્યાર્થી છે જેમાંથી ૧૧ છોકરીઓ છે.હંસિકાએ પોલિટિકલ સાયન્સ, સાયકલોજી અને હિન્દુસ્તાની વોકલ્સમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મેળવ્યા છે. જ્યારે અંગ્રેજીમાં ૧૦૦માંથી ૯૯ માર્ક મેળવ્યા છે. હંસિકાએ જણાવ્યું હતું કે, તેણે અભ્યાસ માટે કોઇપણ ટ્યુશન લીધા નથી. તેણે પરીક્ષાની તૈયારી જાતે જ કરી હતી.