દહેગામઃ ચિસકારી ગામે રહેતો પરિવાર તેમના કૌટુબિંક સભ્યો સાથે પીકઅપ ડાલામાં ભાણિયાનુ મામેરૂ લઇ મોગરોલી ગામે જઇ રહ્યો હતો. ગામથી થોડેક દૂર જતાં પીકઅપ ડાલાના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ડાલુ પલટી ખાઇ ગયુ હતુ અને તેમાં બેસેલા ૨૦થી ૨૫ વ્યક્તિઓ પૈકી ૧૫ને ઇજા પહોંચી હતી. જયારે યુવાન અને મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.
ઇજાગ્રસ્તોને ઇમરજન્સી વાન ૧૦૮ દ્વારા દહેગામના સરકારી દવાખાને લવાયા બાદ વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ કરૂણ બનાવથી લગ્નની ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો અને વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ચિસકારી ગામે રહેતાં બાલુસિંહ લાલસિંહ ડાભીની મોગરોલી ગામે પરણાવેલી દિકરી સંગીતાબેનના દિકરા દિપકના લગ્ન હોવાથી પરિવાર તેમજ કૌટુબિંક સભ્યો ભાથીજીની મુવાડી ગામના અશોકજી બાલાજી ચૌહાણના ડાલામાં બેસી મામેરૂ લઇને નિકળ્યા હતા.
આસપાસના લોકો દોડી આવ્યાંઃ દરમિયાન ઇસનપુર ડોડીયા પાસે બહિયલ રોડ પર ચાલકે કાબુ ગુમાવતાં ડાલુ રેલાયા બાદ પલટી ખાઇ ગયુ હતુ. જેના પગલે પાછળ બેસેલા મહિલાઓ બાળકો સહિતના લોકો દબાઇ જતાં ચિચિયારીઓ કરી હતી. આસપાસના લોકો દોડી આવી દબાયેલા લોકોને બહાર કાઢયા હતા. પરંતુ અકસ્માતમાં ભુદરસિંહ ભાનુભાઇ ડાભી અને પુંજીબેન મનુસિંહ ડાભીને માથામાં ઇજા થવાથી મોતને ભેટ્યા હતા. બનાવની જાણ થતાં દહેગામ પોલીસ સરકારી દવાખાને દોડી આવી હતી. અકસ્માતના બનાવમાં મોતને ભેટેલો ભુદરસિંહ જેના લગ્ન યોજાયા છે, તેવા દિપકના મામા બાલુસિંહનો દિકરો ભાઇ થતો હતો. જ્યારે મૃતક પુંજીબેન વરરાજાના કૌટુંબિક ભાભી થતા હતા.
અકસ્માતમાં ઘવાયેલા લોકોની યાદીઃ વિક્રમકુમાર મનુભાઇ ડાભી ઉ.વ.૧૧, જયપાલસિંહ વિક્રમસિંહ ડાભી ઉ.વ.૧૨, કનુભાઇ અભેસિંહ ડાભી ઉ.વ.૩૦, કોકીલાબેન કનુસિંહ ડાભી ઉ.વ.૩૦, નટવરસિંહ સોમાભાઇ ડાભી ઉ.વ.૩૫, શારદાબેન ભનુભાઇ ડાભી ઉ.વ.૭૫, સુમિત્રાબેન ભુદરભાઇ ડાભી ઉ.વ.૨૫, જીતેન્દ્ર જગદીશભાઇ ડાભી ઉ.વ.૧૨,જગદીશભાઇ ગાભુસિંહ ડાભી ઉ.વ.૪૫, ભાનુ પ્રસાદ લાલજી ડાભી ઉ.વ.૩૮, અશ્વિનભાઇ ભાનુભાઇ ડાભી ઉ.વ.૧૫, કાળુસિંહ ગાભુસિંહ ડાભી ઉ.વ.૫૦, સોમાભાઇ ભુદરજી ડાભી ઉ.વ.૬૦ તથા અન્ય બે વ્યક્તિઓની સામાન્ય ઇજા થઇ રવિયા હતી.