કડીના છત્રાલ રોડ સ્થિત કોટન માર્કેટયાર્ડની સામે આવેલી એમટીટી એન્ટરપ્રાઈઝ નામના ભંગારના ગોડાઉનમાં મંગળવારે મોડી રાત્રે ૧૧ વાગે ભીષણ આગ ફાટી નીકળી હતી. ૪ લાખ લિટર પાણીનો મારો ચલાવવા છતાં ૧૨ કલાકે આગ ચાલુ રહેતાં ધુમાડાથી આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
આગના કારણે આસપાસના પેટ્રોલપંપ, કોટન જીનિંગ ઈન્ડસ્ટ્રીઝના માલિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ગોડાઉન માં અગ્નિશામક સાધનોના અભાવ વચ્ચે કડી, કલોલ, મહેસાણાના ફાયર બ્રિગેડ તેમજ સેરા કંપની ફાયર સેફ્ટી સિસ્ટમના કારણે ભયાનક આગને કાબૂ કરાઈ હતી.
સ્થાનિક તંત્રના અધિકારીઓ ના ઉચાટ વચ્ચે બનાવની કંઈ પણ ગંભીરતા ન હોય તેમ ગોડાઉન માલિક તૈયબભાઈએ આગને ઓલવવાની ના પાડતાં ૧૨ કલાક બાદ પણ આગ ચાલુ રહેતાં ૧૦૦ મીટરના અંતરે આવેલા પેટ્રોલ પંપના સંચાલકોના ઉચાટ જોવા મળ્યો.
જ્યારે ધુમાડાથી આસપાસની ઈન્ડસ્ટ્રીઝના મજૂરો તેમજ હાઈવે પરથી પસાર થતાં વાહન ચાલકો પરેશાન થયા હતા. મામલતદાર મહેશભાઈ ગોસ્વામીએ આગના બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઘટતું કરવા તાકીદ કરી હતી.