ભુજ નજીક ગમક્વાર અકસ્માત થતા ઉત્તરાયણના દિવસે ઓછામાં ઓછા નવ યુવાનોના મોત થતા સનસનાટી મચી ગઇ હતી. નવ પટેલ યુવાનોના મોતથી તેમના ગામ અને આસપાસના વિસ્તારોમાં પણ આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. એક સાથે એક જ ગામના નવ યુવાનોની અર્થી ઉઠતા ગામ હિબકે ચડ્યુ હતુ. ઉત્તરાયણના શુભ પ્રસંગે આ તમામ યુવાનો ફરવા માટે નિકળ્યા હતા. ભુજથી ખાવડા તરફ જતા માર્ગ પર લોરિયા ચેકપોસ્ટ નજીક કાર અને બસ ધડાકા સાથે ટકરાઇ ગઇ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં ઇકો કારમાં રહેલા યુવાનો પણ સામેલ છે. અકસ્માત એટલો પ્રચંડ હતો કે નવના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને ભુજ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત ગઇકાલે સાંજે ૫.૪૦ વાગે સર્જાયો હતો. કારને બસથી અલગ કરવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. ખાનગી બસ અને ઇકો કાર નંબર જીજે-૩-ઇસી-૩૬૮૧ વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં મૃત્યુપામેલા તમામની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં હાર્દિક રજનિકાંત, રાજ સેંજલિયા, જયદીપ બુટાણી, પ્રશાંત સાકળિયા, પિયુશ ખોખર, ગૌરવ કોટડિયા,વિજય ડોબરિયા, મયુર પટેલ, મિલન પટેલનો સમાવેશ થાય છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનો ધોરાજી નજીકના મોટા ગુંદાળા ગામના હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામના મૃતદેહ મોટા ગુદાળા ગામ લાવવામાં આવ્યા હતા. ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. બીજી બાજુ જેતપુરના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ તમામને શ્રદ્ધાંજલિ આપી હતી. હાલના સમયની આ મોટી દુર્ઘટના હોવાનુ જાણવા મળ્યુ છે.