રાહુલ સામે મુશ્કેલી : હવે સુરતની કોર્ટ દ્વારા સમન્સ

674

કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇ કરાયેલી વિવાદીત ટિપ્પણીને લઇ સુરતના ભાજપના ધારાસભ્ય દ્વારા રાહુલ ગાંધી સામે સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણીમાં કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ જારી કરતો હુકમ કર્યો હતો. જેને પગલે હવે અમદાવાદ બાદ સુરતના કેસમાં પણ રાહુલ ગાંધીને સમન્સ જારી થતાં તેમની કાનૂની મુશ્કેલીમાં વધારો થયો છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન થોડા દિવસો પહેલા કર્ણાટકમાં રાહુલ ગાંધીએ બધા મોદી ચોર છે એ બાબતે વિવાદીત ટિપ્પણી કરી હતી, જેને લઇ સુરત શહેર ભાજપના પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ સુરત કોર્ટમાં દાખલ કરી હતી. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણી સામે મોઢવણિક સમાજ વતી ઉપપ્રમુખ અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ખાનગી ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત ૧૩મી એપ્રિલના રોજ રાહુલ ગાંધીએ બેંગ્લોરથી લગભગ ૧૦૦ કી.મી દૂર એક જાહેર સભા સંબોધી હતી અને નિવેદન કર્યું હતું કે બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે.

આટલું જ નહીં પણ રાફેલ વિમાન સોદા બાબતે જણાવ્યું હતું કે, ચોકીદાર ૧૦૦ ટકા ચોર છે. સમગ્ર ભારતમાં મોદી અટકધારી મોઢવણિક સમાજ તરીકે પ્રવર્તમાન છે.ભારતમાં ૧૩ કરોડ લોકો આ સમાજના હોવાનો દાવો કરાયો છે. ફરિયાદમાં કહેવાયું છે કે રાહુલ ગાંધીએ તેમને ચોર કહીં અપમાનિત અને બદનામ કર્યા છે, તેથી રાહુલ ગાંધી વિરૂધ્ધ કોર્ટે કાયદેસર કાર્યવાહી હાથ ધરવી જોઇએ. આ કેસમાં સુરત જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધી વિરૂધ્ધ સમન્સ જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે.

Previous articleતા.૨૩મી  મે બાદ વિજય રૂપાણી મંત્રીમંડળમાં મોટા બદલાવના સંકેત
Next articleગઢડા મંદિર ચૂંટણી મામલે વિવાદ સર્જાતા હજારો હરિભક્તો નારાજ