બહેનનાં ઘરે ઉતરાયણ મનાવવા ગયેલા યુવાનનુ વીજ કરંટથી મોત

935
gandhi1812018-2.jpg

ગાંધીનગરનાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઉતરાયણની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી વચ્ચે દોરીથી ઘાયલ થવાનાં, અગાસી પરથી પડી જવાના તથા વિજશોકથી મોતનાં બનાવ સામે આવ્યા છે. મોતીપુરા ગામે બહેનનાં ઘરે ઉતરાયણ મનાવવા આવેલા યુવાન પર જીવતો વિજ વાયર પડતા વિજ શોકથી ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ. આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. ચિલોડા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.
અગાસી પર પતંગ ચગાવતી વખતે દુર્ઘટના સર્જાઇ, ઉત્સવ શોકમાં ફેરવાયો
સાબરકાંઠાનાં તલોદ તાલુકાનાં રાંયણીયા ગામનો ૨૩ વર્ષિય યુવાન કાળુસિંહ મગનસિંહ પરમાર ગાંધીનગર તાલુકાનાં મોતીપુરા(સાદરા) ગામે રહેતા તેમનાં બહેનનાં ઘરે ઉતરાયણ મનાવવા આવ્યો હતો. બહેનનાં ચહેરા પણ ખુશીનો માહોલ હતો. બપોરે સાથે જમ્યા બાદ અગાસી પરથી પતંગ ચગવવા ચડ્‌યા હતા. બપોરે ૩ વાગ્યાનાં અરસામાં પતંગ ઉડાડી રહ્યા હતા ત્યારે વિજળીનો જીવતો વાયર તુટીને કાળુસિંહ પર પડતા શોક લાગતા અગાસી પર જ ફસડાઇ પડ્‌યો હતો અને ભડભડ સળગવા લાગ્યા હતા. આસપાસનાં લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી અને ચીચીયારીઓ પડવા લાગી હતી. અકસ્માતે બનેલા આ બનાવમાં કાળુસિંહનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. ચિલોડા પોલીસ સ્ટેશને જાણ થતા જમાદાર અમરતભાઇ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને પંચનામુ કરી અકસ્માતે મોતની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.

Previous articleપ્રવિણ તોગડિયા બેભાન હાલતે મળી આવ્યા
Next articleવાહનવ્યવહાર સત્તા મંડળ દ્વારા વધુ ૧૫ ઇ-રીક્ષા તેમજ એક ઇલેકટ્રીક કારને મંજૂરી અપાઇ