બોટાદ જિલ્લાના સાળંગપુર ગામે ભગવાન સ્વામિનારાયણ તથા ગુણાતીત ગુરૂપરંપરાની પાવન પદરજથી પવિત્ર કાર્યરત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં તા.૧૮મી થી ૩૦ એપ્રિલ સુધી ૧૨ દિવસીય વેદાંત અધ્યયન પર્વ – ૨૦૧૯ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વેદાંત અધ્યયન પર્વના અધ્યક્ષપદે અભિનવ ભાષ્યકાર, મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી રહ્યા હતા. તથા આ અધ્યયનના મુખ્ય અધ્યાપક પદે આચાર્ય ડા.રામકિશોર ત્રિપાઠીજી વિરાજીત રહ્યા હતા. આચાર્ય રામકિશોર ત્રિપાઠી કેળળ ભારતવર્ષમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ અદ્વિતિય પ્રકાંડ પંડિત છે. તેઓ હાલ સંપૂર્ણાનંદ વિશ્વ વિદ્યાલયમાં વેદાંત વિભાગના અધ્યક્ષપદે સેવા આપી રહ્યા છે. સાથે સાથે વિદ્વત્ નગરી કાશી ખાતે શાસ્ત્રાર્થ પરંપરાનું દાયિત્વ નિભાવી રહ્યા છે. આચાર્ય રામકિશોર ત્રિપાઠીજી ભાવાનુરાગવશ થઇ સાળંગપુર પધાર્યા અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીસંતો તથા યુવકોને અભ્યાસ કરાવી લાભ આપ્યો હતો. આ વેદાંત અધ્યયનમાં સમગ્ર દિવસ દરમ્યાન ત્રણ ત્રણ કલાકના બે વર્ગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધર્મરાજા હરિન્દ્ર લિખિત અદ્વેત વેદાંત આધારીત વેદાંત પરિભાષા નામક ગ્રંથનું અધ્યયન કરાવ્યું હતું. જેમાં ગ્રંથના આઠ પરિચ્છેદનું ઉંડાણપૂર્વક અધ્યયન વિદ્યાર્થી સંતો તથા યુવકોએ કર્યું હતું.