ભાવનગર શહેરમાં તંત્રની બેદરકારીના કારણે વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ ખુબ જ વધવા પામ્યો છે. શહેરના ગંગાજળીયા તળાવ, હેવમોર ચોક, હલુરીયા ચોક, ક્રેસન્ટ રોડ, સહિતના ધમધમતા વિસ્તારોમાં તો જાણે કે રખડતાં ઢોરનું રહેણાંક હોય તેમ કાયમી વસવાટ રહે છે. જ્યારે ખડપીઠ, ભીડભંજન મહાદેવ મંદિર, જશોનાથ મંદિર પાસે પણ રેઢીયાર ઢોરનો અડીંગો યથાવત હોય છે. આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ ઢોરનાં ત્રાસના કારણે વાહનચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બે આખલાઓનાં યુદ્ધ કરવાનાં દ્રશ્યો દરરોજ વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે. જે રાહદારીઓ તથા વાહન ચાલકોને અડફેટે લઇ ઇજા કરવાનાં તેમજ મૃત્યુ થવાનાં બનાવો પણ બની રહ્યાં છે. પરંતુ તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોય શહેરીજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આજે સાંજના સુમારે શહેરનાં હાર્દ સમા ઘોઘાગેઇટ ચોક ખાતે ફટાકડા ફુટતા ચોકમાં અડીંગો જમાવીને બેઠેલા ઢોર ભડકીને દોડ્યા હતા. જેનાંથી લોકોમાં તથા વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી. અને આ સમગ્ર બનાવને ભાજપના અનેક કોર્પોરેટરોએ નજરે નિહાળ્યો હતો. ત્યારે હવે કોઇ અન્ય બનાવ બને અને કોઇ ઇજાગ્રસ્ત થાય કે મૃત્યુ થાય તે પૂર્વે રખડતા ઢોરનાં ત્રાસમાંથી મુક્ત કરાવાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. તસ્વીર : મનિષ ડાભી