ગુજરાતીઓ ખાવાપીવાના શોખીન છે. સ્વાદના રસિયા એવા ગુજરાતીઓ ઉત્તરાયણના પર્વમાં કરોડની રૂપિયાનું ઉંધિયુ, કચેરી અને ચિક્કી ઝાપટી જતાં હોય છે. સૌનો મનગમતો તહેવાર એવા મકરસંક્રાંતિએ ઉંધિયુ ખાવાની પ્રથા છે. ત્યારે આ વર્ષે લાખો રૂપિયાનું ઉંધિયાની ગાંધીનગર વાસીઓ લિજ્જત માણી હતી. ગત વર્ષ કરતાં ૨૦ ટકા ભાવ હોવા છતાં ઉંધિયાની ખરીદીમાં ગ્રાહકોની કતારો જોવા મળી હતી. પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછુ વેચાણ થયુ હતું.
આ વર્ષ બજારમાં વિવિધ પ્રકારના ઉંધિયા જોવા મળ્યા હતાં. જેમાં સુરતી, કાઠિયાવાડી, ઉંબાડિયુ અને કઠોળ ઉંધિયા સહિતનું વેચાણ થયુ હતું. લીલા શાકભાજીના ભાવમાં વધારો થતાં ઉંધિયાના ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો હતો. ગત વર્ષે ૨૦૦ રૂપિયા કિલો મળતું ઉંધિયુ આ વર્ષે ૨૪૦થી ૬૦ રૂપિયા કિલો વેચાઇ રહ્યુ હતું. તેમજ જલેબી તેલમાં ૨૪૦ અને ઘીમાં ૪૫૦ રૂપિયા કિલો વેચાઇ હતી. તેમ છતાં નાગરિકોએ બજારમાંથી ઉંધિયાની ખરીદી કરી હતી. વહેલી સવારથી ગાંધીનગરની વિવિધ ફરસાણની દુકાનો અને ઉંધિયાના સ્ટોલ પર લોકોની ભીડ જોવા મળી હતી. લોકોએ જલેબી, ઉંધિયા, લીલવાની કચેરી, સમોસા અને ખમણનો સ્વાદ માણ્યો હતો.
ગાંધીનગર શહેર મીઠાઇ ફરસાણ એસોસિએશનના કૌશિકભાઇ સુખડીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઉંધિયાનું વેચાણ ઓછુ થયું છે. ગાંધીનગર શહેરમાં ૩૦ લાખનું ઉંધિયાનું વેચાણ થયું હતું. આ ઉપરાંત ગાંધીનગરના માર્ગો પર ખુલ્લામાં મંડપ બાંધીને ઉંધિયાનું વેચાણ કરતાં વેપારીઓ અંગે અમે અનેકવાર રજુઆત કર્યા છતાં તંત્ર કોઇ જ કાર્યવાહી કરતું નથી. આ ઉંધિયાના કારણે નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમાય તેમ છે.
આમપણ ગુજરાતીઓ વિવિધ તહેવારોની ઉજવણીમાં અગ્રેસર જ રહે છે.ત્યારે તેમના માનીતા એવા ઉતરાયણના પર્વમાં પણ જલેબી અને ઉંઘિયાની જ્યાફત માણી પર્વની સારી રીતે ઉજવણી કરી હતી.