કચ્છ, બનાસકાંઠાની જેમ પાટણ જિલ્લાના રણકાંઠાના સાંતલપુર, રાધનપુર અને સમી પંથકના ગામો ઉપર પણ ભીષણ દુકાળનાં ઓળાં ઉતર્યા છે. લોકોને પીવાના પાણીનાં ફાંફાં છે. તો માલ (ઢોર) માટે ઘાસચારો નથી. અત્યાર સુધી તો બાવળની સીંગો ખવડાવીને માલને જીવાડ્યો પણ હવે તો બાવળ પણ સુકાઇ ગયા છે. આવી વિષમ સ્થિતિના કારણે અનેક માલધારી પરિવારો વતનને અલવિદા કરી ચૂક્યા છે. ઘરે માત્ર ડોહા ડોસીઓ છે. મોટા ભાગના ખોરડાં સૂના પડ્યાં છે. અમે પાટણ સમીથી આગળ વધ્યા, તો જ્યાં નજર કરો ત્યાં સૂકોભઠ્ઠ ખારોપટ નજરે પડતો હતો, આવી હાલત છેક સાંતલપુરની સરહદ સુધી જોવા મળી.
ગામેગામ પાણીનો પ્રશ્નઃ અમે નળિયા ગામે પહોંચ્યા તો ગામલોકોના મોઢે ઢોરને જીવાડવાની જ ચિંતા સાંભળવા મળી. મહિનાથી ઘાસ મળ્યું નથી. તો પરસુંદ ગામની મહિલાઓના અવાજમાં પાણીની સમસ્યા પડઘાઇ રહી છે. આખો દહાડો પાણી ભરવામાં જ જતો હોઇ લગ્ન જેવા પ્રસંગોય સુખે માણી શકતા નથી. તો છાણસરામાં પાણીનું ટેન્કર આવતાં જ નાના બાળકોથી લઇને મોટેરાઓ હાથમાં પાણીના પીપડાં અને પાઇપો લઇને દોટ મૂકી હતી. દરેકને ચિંતા હતી કે રખેને પાણી ના મળે તો. આવી હાલત સરહદકાંઠાના મોટાભાગના ગામોની છે. ક્યાંક ટેન્કરથી પાણી મળે છે તો તે પૂરતું નથી, તો ક્યાંક બે ચાર દહાડા સુધી આવતું જ નથી. લોકો તો ગમે તેમ કરીને પાણી મેળવી લ્યે છે, પણ મૂંગાઢોરનું શું. તેની ચિંતા પશુપાલકોને કોરી ખાય છે.
ક્યાંક નર્મદાનું પાણી તો ક્યાંક ભાડાના ટેન્કરઃ રાધનપુર અને સમી પંથકના ગામોમાં પણ દુષ્કાળની ઘેરી અસર જોવા મળી રહી છે. લોકો તળાવમાં ખાડા કરીને પાણી ખેંચી રહ્યા છે. આજ રીતે ઘાસચારોની પણ બૂમ છે. સરહદી સાંતલપુર અને સમી પંથકના ગામોની વાત કરીએ તો એક ભાગ એવો છે, જ્યાં નર્મદા કેનાલના પાણી મળી રહે છે અને એક ભાગમાં હજુ તે મળતું થયું નથી. અમે માત્ર સપના જોઈ રહ્યા છીએ તેમ નળિયા ગામના વૃદ્ધે જણાવ્યું હતું. જ્યાં કેનાલના પાણીનો લાભ પણ મળે છે ત્યાં પણ પૂરતું નથી મળતું, ભાડાના ટેન્કર મંગાવવા પડે છે.