આજે શનિ અમાવસ્યા : શનિ મંદિરોમાં શ્રદ્ધાળુ ઉમટી પડશે

801

આવતીકાલે શનિવાર, ચૈત્રી અમાસ એટલે કે, સૂર્યપુત્ર શનિદેવની અમાવસ્યા છે અને તેને લઇ શહેરના વિવિધ શનિમંદિરોમાં શનિ મહારાજના ભવ્ય પૂજન, હોમ-હવન સહિતની તડામાર તૈયારીઓ કરાઇ છે. શહેરના દૂધેશ્વરના અતિપ્રાચીન શનિમંદિરમાં આવતીકાલે શનિદેવ અમાવસ્યાની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું છે. દૂધેશ્વરના શનિમંદિર ખાતે આવતીકાલે શનિદેવને મહાપ્રસાદ ધરાવાશે. આ સાથે જ શનિદેવની ભવ્ય મહાઆરતી અને હોમ-હવન, યજ્ઞનું પણ આયોજન કરાયું છે. તો શાહીબાગ વિસ્તારના શનિમંદિર, થલતેજ ખાતેના શનિમંદિર, ડ્રાઇવઇન વિસ્તારમાં વૈભવલક્ષ્મી મંદિરમાં આવેલ શનિમંદિર સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શનિમંદિરોમાં શનિમહારાજના જન્મોત્સવની ભવ્ય ઉજવણી ઉપરાંત, તેલ અભિષેક અને વિશેષ પૂજા-મહાઆરતીનું આયોજન કરાયું છે.

આવતીકાલે શનિદેવ અને પિતૃઓની કૃપા મેળવવાનો મહામૂલો અવસર હોઇ શ્રધ્ધાળુ શનિભક્તોની ભારે ભીડ શનિમંદિરોમાં જામશે.

ખાસ કરીને પિતૃતર્પણ માટે લોકો નર્મદા ઘાટે મોટી સંખ્યામાં ઉમટશે. શહેરના દૂધેશ્વર વિસ્તારમાં ધોબીઘાટ પાસેના અતિપ્રાચીન  શનિમંદિરમાં આવતીકાલે સૂર્યપુત્ર શનિ અમાવસ્યા ઉજવણીનું વિશેષ આયોજન કરાયું છે. ૧૦૮ વર્ષ જૂના શનિમંદિરના મહારાજ લાલચંદજી ભાર્ગવ અને રવિ મહારાજે જણાવ્યું હતું કે, દૂધેશ્વર સ્થિત આ શનિમંદિર અતિપ્રાચીન અને અનન્ય મહાત્મ્ય ધરાવે છે. આવતીકાલે શનિ અમાવસ્યા નિમિતે શનિદેવને ખાસ પ્રકારે મહાપ્રસાદ ધરાવાશે. બપોરે ૧૨-૦૦ વાગ્યે શનિ મહારાજની ભવ્ય મહાઆરતી યોજાશે. આ સિવાય સવારે ૧૦-૦૦ વાગ્યાથી રાત્રે ૧૧-૦૦ વાગ્યા સુધી શનિદેવને ૧૦૮ આહુતિ આપવાનો ભવ્ય હોમ- હવન અને યજ્ઞ યોજાશે. ઉપરાંત,  શનિ અભિષેક, નવગ્રહ શાંતિપાઠ, શનિકથા સહિતના પૂજા-કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  આ જ પ્રકારે અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ખડોલ શનિધામ ખાતે પણ શનિ અમાવસ્યા નિમિતે શનિ મહારાજના હોમ-હવન સહિતના ભવ્ય કાર્યક્રમો યોજાશે. તો, અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારના શનિમંદિર, થલતેજ ખાતેના શનિમંદિર, ડ્રાઇવઇન વિસ્તારમાં વૈભવલક્ષ્મી મંદિરમાં આવેલ શનિમંદિર, એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પર આવેલા મારૂતિનંદન મંદિરમાં આવેલ શનિમંદિરમાં પણ શનિ મહારાજની શનિ અમાવસ્યાની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. આવતીકાલે શનિ મહારાજને શ્રધ્ધાળુ ભકતો તેલ, અડદ, સરસીયુ તેલ, તલ, ઇન્દ્રજવ, નીલમ, કામલી, કાળા વસ્ત્રો, ગોળ-ચણા, લોખંડ અર્પણ કરી તેનું દાન કરશે કારણ કે, તેનો અનેરો મહિમા છે. શનિદેવ એ ન્યાયના દેવતા છે. શનિ મહારાજનો ઓમ્‌ શં શનૈશ્વરાય નમઃ મંત્રનું આવતીકાલે સતત સ્મરણ કરી શકય એટલો જાપ કરવો, શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. આવતીકાલે શનિવાર, અમાસ અને શનિ અમાવસ્યાનો શુભ યોગ હોઇ તેમ જ શનિદેવ અને પિતૃઓની કૃપા મેળવવાનો મહામૂલો અવસર હોઇ શ્રધ્ધાળુ શનિભક્તોની શનિ મંદિરો અને હનુમાનજી મંદિરોમાં ભારે ભીડ જામશે.

મોડી રાત સુધી શ્રધ્ધાળુઓ શનિદેવના દર્શન માટે શનિમંદિરો અને હનુમાનજી મંદિરોમાં ઉમટશે. તો, પિતૃતર્પણ માટે અને પિતૃઓની કૃપા તેમ જ આશીર્વાદ મેળવવા માટે નર્મદા ઘાટે પણ ભારે ભીડ જોવા મળશે.

Previous article‘ફેની’નો કહેર : ઓડીશામાં તબાહી મચાવી, ૬નાં મોત
Next articleકચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો