સેક્ટર-૨૧ની સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રહિશો ત્રસ્ત

639

ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી વસાહતોમાં તંત્ર દ્વારા નાંખવામાં આવેલી વર્ષો જુની ગટર લાઇનોનું સમયાંતરે સમારકામ નહીં થતાં ઉભરાવવા લાગી છે. ત્યારે સેક્ટર-૨૧માં આવેલી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરના પગલે સ્થાનિક રહિશો પણ હેરાન પરેશાન થઇ ગયા છે અને રજૂઆતો કરવા છતાં તેનું નિરાકરણ લાવવામાં આવતું નથી.

રાજ્યના પાટનગરમાં સરકારી કર્મચારીઓ માટે બનાવવામાં આવેલાં સરકારી આવાસોની રચના વખતે ગટરલાઇનો નાંખવામાં આવી હતી પરંતુ સમાયંતરે સમારકામની કામગીરી કરવામાં નહીં આવતાં હાલમાં ઠેકઠેકાણે ગટરલાઇનો બિમાર બની જતાં ઉભરાઇ રહી છે. ત્યારે શહેરના સેક્ટર-૨૧માં આવેલી વાસ્તુનિર્માણ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઇ રહી છે. જેના પગલે સ્થાનિક રહિશોએ પણ દુર્ગંધ યુક્ત ગટરના પાણીથી ત્રસ્ત થઇ ગયાં છે.

તો બીજી તરફ આ સમસ્યા અંગે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં નહીં આવતાં ગટરના ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જવા પામ્યો છે અને સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે. જેથી તાત્કાલિક આ ઉભરાતા ગટરના ગંદા પાણીને બંધ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

Previous articleદાંતા તાલુકાના ૩૮૧૨ હેન્ડ પંપમાંથી ૧૧૧૮ બંધ : વનવાસીઓની હાલત કફોડી
Next articleબાજુના ગામના યુવાનોએ સરકારની રાહ જોયા વગર લોકોને પાણી પહોચાડ્યું