ઉનાળો આકરો બન્યો છે ત્યારે એવા કેટલાય ગામો છે જ્યાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે. મહિલાઓ માથે બેડાં મૂકી જ્યાંથી મળે ત્યાંથી પાણી માટે રઝળપાટ કરી રહી છે. પણ સાબરકાંઠા જિલ્લાનું પુંસરી ગામ આ બાબતે ખૂબ સુખી છે. ગામમાં ભરપૂર પાણી છે અને શ્રેષ્ઠ વિતરણ વ્યવસ્થા પણ. પરંતુ અહીંથી ૧૦ કિમી દૂર આવેલું તાજપુર ગામ પાણીની બાબતમાં પુંસરી જેટલું સુખી નથી. છેલ્લા એક મહિનાથી અહીં પાણીનાં ફાંફાં છે. તાજપુરની પાણીની આ સમસ્યાને નાથવા પુંસરી ગામના યુવાનો છેલ્લા બે દિવસથી પાણીના ત્રણ ટેન્કર ભરી ગામમાં વિતરણ કરી રહ્યા છે.
પ્રેરકકાર્ય દેશની સર્વપ્રથમ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત દ્વારાઃ ગરમીમાં હૈયે ટાઢક પહોંચાડતું આવું પ્રેરકકાર્ય દેશની સર્વપ્રથમ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત બનેલી પુંસરીના પૂર્વ સરપંચ હિમાંશુ પટેલ અને તેમની યુવા ટીમે ઉપાડ્યું છે. જેમાં ગ્રામ પંચાયત સહભાગી બની છે.
પૂર્વ સરપંચ હિમાંશુ પટેલે કહ્યું કે, ત્રણેક દિવસ અગાઉ હું તાજપુર ગયો તો રાવળ સમાજનાં ૧૮૦ ઘરની બહેનો આખો દિવસ ખેતરે ખેતરે ફરી પાણી માટે વલખાં મારતી જોઈ. ગામલોકોને પૂછ્યું તો જાણવા મળ્યું કે છેલ્લા એક મહિનાથી ગામમાં પાણીનું ટીપું નથી પડ્યું. પંચાયતે પ્રયત્નો કર્યા પણ કોઈ ઉકેલ ન આવ્યો. બહેનોની હાલત જોઈ નક્કી કર્યું કોઈના આધારિત રહ્યા વગર પુંસરી ગામથી ટેન્કર ભરી પાણી તાજપુર ગામને પૂરું પાડવું. અમારા ગામ જોડે પાણી છે તો તેનો લાભ બાજુના ગામને પણ મળવો જોઈએ. અમે આઠ-દસ યુવાનોની ટીમ બનાવી છે, જે રોજ પંચાયતના બોર પરથી ટેન્કર ભરી આપવા જાય છે.
માત્ર સરકાર પર આધારિત ન રહેતાં જે ગામો પાસે પાણીની સગવડ હોય તેણે બીજા ગામની જવાબદારી ઉપાડવાનો આ સમય છે. જે ગામો પાણી માટે તરસી રહ્યા છે ત્યાં જઈને જોઈએ ત્યારે જ પાણીનો સાચો અર્થ સમજાય. અમે નક્કી કર્યું છે તાજપુર ઉપરાંત આસપાસના દશેક ગામો કે જ્યાં પાણીની વિકટ સ્થિતિ છે ત્યાં પાણી પહોંચાડીશું. હિમાંશુ પટેલ, પૂર્વ સરપંચ પુંસરી.ગામમાં એક મહિનાથી પાણી નથી. મહિલાઓ ખેતરે ખેતરે કૂવે કૂવે ફરીને ભરી લાવે છે. પુંસરી ગામના યુવાનો બે દિવસથી રોજ ટેન્કર લઇને પાણી આપવા આવે છે. અમારા માટે તો એ ભગવાન બરાબર છે.