બનાસકાંઠાના વાવ- થરાદ પંથકમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વાવના ઢીમા ગામે અને થરાદમાં ભારે પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. જેના લીધે થરાદમાં વીજળી પણ ડૂલ થઈ હતી.
પવન એટલો જોરદાર હતો કે ધૂળની ડમરીઓ ઉડી હતી. થરાદ પંથકમાં કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. સાબરકાંઠાના પોશીના પંથકમાં પણ ગાજવીજ સાથે ભારે પવન સાથે સામાન્ય વરસાદના છાંટા પડ્યા હતા.
મહેસાણામાં શુક્રવાર સવાર સુધી દક્ષિણ-પશ્ચિમ પવન ફૂંકાયો હતો. ત્યાર બાદ દિશા પલટાઇને પશ્ચિમ તરફથી ફૂંકાયો હતો. જેને લઇ તાપમાનમાં આંશિક ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો. આમ છતાં ગરમીનો પારો ૪૧ ડિગ્રી ઉપર રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત શનિવારે આંશિક વાદળછાયું રહી શકે છે. જેને લઇ ઉકળાટ વધશે.