સર્વત્ર પાણીના પોકાર વચ્ચે પાણીનું ટીપેટીપું તેનું મૂલ્ય સમજાવી રહ્યું છે. ત્યારે પાણી ચોરી કરતાં મામલા સામે આવ્યાં એવી જ રીતે પાણી વેડફવા સામે પણ આકરાં પગલાં લેવાનું શરુ કરવાનું સરકાર વિચારી રહી છે. તેથી હવે જો પાણી ખોટી રીતે વેડફશો તો દંડ થશે. ગુજરાતમાં પાણીની તંગી ઉભી થઈ છે, ત્યારે ગુજરાત સરકાર વૉટર પૉલીસીમાં સુધારા કરીને પાણી બચાવવા માટેની યોજના બનાવવા વિચારી રહ્યું છે.
હાલના સમયમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીની ખેંચ જોવા મળી રહી છે. જેને લઇને રૂપાણી સરકાર એક્શન મોડમાં આવી છે. જ્યાં પાણી નથી આવતું ત્યા ટેન્કર મોકલવાની વ્યવસ્થા કરાઈ રહી છે. સરકારે વિવિધ પગલાં પણ જાહેર કરતાં રૂપાણીએ પાણી મામલે સબસલામત હોવાની વાત કરી છે.
ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર પાણીને બચાવવા માટે નવા સુધારા કરવા જઈ રહી છે. હવે જો કોઇ વ્યક્તિ જાહેરમાં પાણી વેડફશે તો તેની વિરુદ્ધ દંડનીય કામગીરી કરવામાં આવશે. જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ બાદ રાજ્ય સરકારે બીજો મહત્વનો નિર્ણય કર્યો છે.સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં જાહેર માર્ગમાં થૂંકવા પર પ્રતિબંધ બાદ રાજ્ય સરકાર હવે પાણી વેડફનારને નાણાકીય દંડ ફટકારવાનું આયોજન કરી દેવામાં આવ્યુ છે.
જેમાં રાજ્ય સરકાર દ્વારા પાણી અંગેની પૉલીસીમાં સુધારો કરવામાં આવશે. રાજ્યમાં અનેક જગ્યાએ પાણીનો વેડફાટ થઇ રહ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. ત્યારે આવી દંડનીય કામગીરીથી પાણીનો વેડફાટ અટકે અને પાણીનો બચાવ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વૉટર પૉલીસીમાં ટૂંક સમયમાં સુધારો કરવામાં આવશે.