સૌરાષ્ટ્ર ચેમ્બરની રજુઆત છતાં યુઝર્સ ચાર્જ વસુલવા મ્યુ. ટીમો બજારમાં ફરે છે
ભાવનગર મહાપાલિકાઓના અધિકારીઓની ટીમ વેપારીઓ પાસેથી યુઝર્સ ચાર્જ વસુલવા શહેરની બજારોમાં ફરે છે અને આવો ચાર્જ વસુલે છે. થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્ર ઓફ ચેમ્બરના પ્રમુખ વડોદરિયા વિગેરે વેપારીઓ વકિલ સાથે સેવા સદન આ ચાર્જ ન લેવા રજુઆત કરવા ગયેલ. આ પછી આવો ચાર્જ વસુલવા તંત્ર દ્વારા કાર્યવાહી ચાલે છે. પહેલાના સમયમાં ચેમ્બરની રજુઆતને માન્યતા અપાતી આજકાલ કોઇ કોઇને ગાંઠતું નથી તેવી છાપ ઉપસી રહી છે. વેપારીઓની આવી જાગૃતિ શા કામની તેવી લોક ચર્ચા થઇ રહી છે.
ગાંધીસ્મૃતિ પાસે રસ્તો પહોળો કરવા ફુટપાથનું થતું ખોદકામ
ભાવનગર ક્રેસન્ટ સર્કલ પાસે આવેલ ગાંધીસ્મૃતિ બીલ્ડીંગ પાસે રોડ રસ્તાના કામે ગાંધીસ્મૃતિ પાસેથી પસાર થતી ફુટપાથ ખોદીને રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ રસ્તો ઘણો જ સાંકડો હોવાથી રસ્તાની ફુટપાથનું ખોદકામ થઇ રહ્યું છે.
સેવાસદન પાસે પાણીપ્રશ્ને સતત લોક રજુઆતોનો દોર
શહેરના જુદા જુદા ભાગોમાંથી પાણી ઓછું મળવું, ઓછા પ્રેશરથી આવવું, પાણી સમયસર ન આવવું, વિગેરે પાણીને લગતા પ્રશ્નો બાબતે લોકોની સેવાસદન પાસે રજુઆતો ચાલુ રહી છે. ઉનાળાની સીઝનમાં પાણી પ્રશ્ને સેવા સદન પાસે ઠીક ઠીક રજુઆતો થતી રહે છે. જો કે પાણીનો વધુ જથ્થો મળવાથી હવે સેવા સદન વોર્ડોમાં લોકોને પુરતા પ્રમાણમાં પાણી દેવાના સઘન પ્રયાસો કરી રહ્યું છે.
પાણીના વધુ ટેન્કરો મોકલવા તંત્ર દ્વારા શરૂ થતી તજવીજ
ભાવનગર શહેરના ફિલ્ટર વિભાગ પાસે સવારથી મોડી રાત સુધી પાણીના ટેન્કરો મોકલવા સતત લોક રજુઆતો થતી રહી છે. ફિલ્ટર વિભાગ દ્વારા લોક રજુઆતો અને સેવકોની રજુઆતને ધ્યાને લઇને જરૂરી લત્તાઓમાં પીવાનું પાણી આપવા બંબાઓ મોકલાય રહ્યા છે. આવતા દિવસોમાં પાણીના વધુ ટેન્કરો મોકલવાની તજવીજ ચાલુ રહી છે.