ગાંધીનગર શહેરમાં સરકારી કર્મચારીઓ માટે વિવિધકક્ષાના સુવિધાસભર સરકારી આવાસો બનાવવામાં આવ્યા છે.જેમાં કર્મચારીઓને તેમના પગાર એટલે કે, તેમના વર્ગ પ્રમાણે મકાનની ફાળવણી કરવામાં આવે છે પરંતુ ઘણા કિસ્સામાં બદલી થઇ ગઇ હોય કે કર્મચારીનું અવસાન થયું હોય તેમ છતા રહિશો આવાસ ખાલી કરતા નથી તેવા સો જેટલા કિસ્સામાં પાટનગર યોજના વિભાગ દ્વારા કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
રાજ્યનું પાટનગર હોવાને કારણે અહીં કર્મચારી-અધિકારીઓ માટે સુવિધાસભર વિવિધ કક્ષાના મકાનો બનાવવામાં આવ્યા છે. પટ્ટાવાળાથી લઇને ક્લાસ-૧ અધિકારીને સરકારી મકાન ફાળવવામાં આવે છે. આ ઉપરાંત બોર્ડ-નિગમ અને બેંકના કર્મચારીઓને પણ આવાસો ફાળવવામાં આવ્યા છે.
ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ આવાસો ફાળવવામાં આવ્યા છે ત્યારે કર્મચારીનું અવસાનના તેમજ તેની બદલી થઇ હોય ત્યાર બાદ આ આવાસો સરકારને સુપ્રત કરી દેવાના હોય છે. પરંતુ ઘણા રહિશો આવાસો પરત કરતા નથી જેના કારણે તેમની પાસેથી ભાડું કેટલું વસુલવું તે મોટો પ્રશ્ન આવીને ઉભો થાય છે .
તેથી આવા રહિશોને આવાસો ખાલી કરવા માટે કહેવામાં આવે છે પરંતુ શહેરના સો જેટલા રહિશો આવાસો ખાલી કરતા નથી અને બિનઅધિકૃતરીતે આવાસો ઉપર કબજો જમાવીને રહે છે તેવી સ્થિતિમાં તેમની પાસેથી આવાસો પરત લેવા માટે પાટનગર યોજના વિભાગ દ્વારા કોર્ટ કેસ દાખલ કર્યા છે ત્યારે હવે કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવે તે રીતે આ રહિશો પાસેથી સરકારી અથવા કોમર્શીયલ દરથી ભાડું વસુલવામાં આવશે.