હેડ કોન્સ્ટેબલનું માથું ટ્રક નીચે આવતા હેલ્મેટ સાથે ચગદાઈ ગયું

665

ગાંધીનગર સેક્ટર-૨-સી ખાતે રહેતાં અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનનું અકસ્માતમાં મોત થયું છે. શુક્રવારે મોડી રાત્રે નોકરી પરથી પરત ફરતાં જવાનના બાઈકને ઉવારસદ ચોકડી પાસે ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. જેમાં ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા હેલ્મેટ સાથે જ માથુ ચગદાઈ જતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું.

ટ્રક ચાલકને પકડવા તપાસ આદરીઃ મળેલી વિગત પ્રમાણે સેક્ટર- ૨/સી પ્લોટ નં-૧૫૮૦ ખાતે રહેતાં રાહુલભાઈ પરમાર (૪૮ વર્ષ) શુક્રવારે રાત્રે નોકરી પતાવી ચાંદખેડાથી ગાંધીનગર પરત ફરતા હતા. લગભગ સાડા અગિયાર વાગ્યાના સુમારે ઉવારસદ ચોકડી પર ઊંઝાથી આવતા ટ્રક સાથે બાઈકનો અકસ્માત તથા તેઓ ટ્રકના પાછળના ટાયરમાં આવી ગયા હતા. ટ્રકનું ટાયર ફરીવળતા હેલ્મેટ સાથે જ તેમનું માથું છુંદાઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતને પગલે અડાલજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી. એન. પઢારીયા પણ તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા મૃતક જવાન રાહુલભાઈના પુત્ર આયુષની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઈ ગોસ્વામીને સોંપાતા તેમણે ટ્રક ચાલકને પકડવા તપાસ આદરી હતી.

અજાણ્યા શખ્સો પિતાના મોતના સમાચાર લાવ્યાઃ મૃતકના પુત્ર આયુષે કહ્યું હતું કે, ‘રાત્રે પોણાબાર વાગ્યે હું ઘરે હાજર હતો ત્યારે એક ભાઈ મારા ઘરે આવેલા અને રાહુલભાઈ અહીંયા રહે છે તેમ પુછેલ જેથી મે હાલ પાડતા સામેવાળા શખ્સે માતા પિતાનું આધારકાર્ડ બતાવતા તમારા પિતાજીને ઉવારસદ ચોકડી ઉપર એક્સીડેન્ટ થયેલ છે અને તેઓનું સ્થળ પર મોત થયું છે કહ્યાં હતું. હું તથા મારા ઘરના બીજા સભ્યો તાત્કાલિક ત્યાં પહોંચ્યા તો મારા પિતાજીની ડેડબોડી મળી હતી.’

પરિવારની રોકકળથી વાતાવરણ ગમગીનઃ મૃતક રાહુલભાઈ સેક્ટર-૨માં માતા, પત્ની, પુત્ર-પુત્રી સાથે રહેતાં હતા. આકસ્મિક રીતે મોભીનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. અકસ્માત અંગે પરિવારને જાણ કરતાં પરિવારનો સભ્યો પણ રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોની રોકકડથી સમગ્ર વાતાવરણ ગમગીન થઈ ગયું હતું.

Previous articleપેટાપરુમાં ૯૯૯ વીઘાનુ કુદરતી તળાવ સુકૂભઠ્ઠ, મહિલાઓ બેડા લઇને રાત-દિવસ રઝળે છે
Next articleપાટણ જિલ્લાની ૮૧૧ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા વધારવા રાત્રિ સભાઓ કરાશે