શહેરની સર ટી. હોસ્પિટલના તંત્રની લાપરવાહીના કારણે એક્સ-રે મશીનો બંધ હોવાના કારણે દર્દીઓને ભારે તકલીફો વેઠવી પડી રહી છે.
એક તરફ રાજ્ય સરકાર મધ્યમ તથા ગરીબ વર્ગના લકોોને તમામ પ્રકારની મેડીકલ સહાય વિનામુલ્યે અને સરળતાથી પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે ભાવનગર જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ સર તખ્તસિંહજી આરોગ્ય ધામના સત્તાવાળાઓ દર્દીઓને ઉચિત પ્રમાણમાં આરોગ્ય સેવાઓ પ્રદાન ન કરી ખાનગી હોસ્પિટલોમાં ધકેલી રહી છે. સતત વિવાદોનું કેન્દ્ર બનેલ આ હોસ્પિટલમાં દર્દીઓ યેનકેન પ્રકારે હેરાનગતિનો ભોગ કાયમી ધોરણે બનતા જ રહે છે. રાજનેતાઓ છાશવારે હોસ્પિટલમાં લોકપ્રશ્નો સાભંળવાનું સરસ નાટક ભજવે છે પણ નાટક પૂર્ણ થયે કોઈ સાર આપવામાં આવતો નથી. હાલ છેલ્લા કેટલાક સમયથી એક્સ-રે વિભાગ લાંબા સમયથી બંધ છે. જુના બિલ્ડીંગમાં એક માત્ર યુનિટ કાર્યરત છે. જે પણ બરાબર રીતે ચાલતું નથી. આના કારણે દર્દીઓને નાણા ખર્ચી ખાનગી એક્સ-રે સેન્ટરોમાં જવું પડે છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતા કોઈ જ પરિણામ આવ્યું નથી. નઘરોળ તંત્ર લોકોની વેદના નિહાળી આંખ આડા કાન કરી રહ્યું હોવાનું જણાવી રહ્યાં છે.