ગુજરાત એટીએસની ટીમે જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ધરપકડ કરી હતી. સામાન્ય સંજોગમાં પુરૂષો પોલીસ અધિકારીઓને પણ પરસેવો છોડાવી દે તેવો કુખ્યાત આરોપીને ચાર વિરાંગના મહિલા અધિકારીઓએ છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવીને ઘૂંટણિયે પાડી દીધો હતો. આરોપી રાજકોટ રૂરલમાં પટેલ યુવાનની હત્યાના ગુનામાં ફરાર હતો. એટીએસના મહિલા પીએસઆઇ એસ.કે. ઓડેદરા અને ટીમે બોટાદ નજીક દેવગઢ ગામના ડુંગરાળ વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ૩૫ જેટલા અલગ અલગ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે, બોટાદના જંગલોમાં કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. જેને પગલે એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાએ એક ટીમ બનાવી હતી. જેમાં ચાર મહિલા પીએસઆઇનો પણ સમાવેશ કર્યો હતો.
તેમાં પીએસઆઈ સંતોક ઓડેદરા, પીએસઆઈ નિત્મિકા ગોહિલ, પીએસઆઈ અરૂણા ગામેતી અને પીએસઆઈ શકુંતલા મલે ગઈ કાલે રાત્રે બોટાદના જંગલોમાં સર્ચ શરૂ કરાયું હતું. ત્યારે એક સીમમાંથી જૂનાગઢનો કુખ્યાત ગુનેગાર જુસાબ અલ્લારખા મળી આવ્યો હતો. એટીએસની મહિલા પીએસઆઇની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. જુસાબ અલ્લારખા પર જૂનાગઢમાં ૧૫થી વધુ ગંભીર ગુના નોંધ્યા છે. તે જૂનાગઢના લોકો અને પોલીસ માટે માથાનો દુઃખાવો હતો. ત્યારે આ મહિલા પીએસઆઇએ જુસાબ અલ્લારખાને ઝડપી લેતા તેનો જૂનાગઢમાં ખૌફ દૂર થયો હતો.