ભાવનગર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના કાળાનાળાથી કાળુભા રોડ પર અનઅધિકૃત રીતે ખડકી દેવામાં આવેલ દબાણો પર બુલડોઝર ફેરવી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
શહેરના જાહેર માર્ગો પર દિન-પ્રતિદિન રોડ કાંઠે રહેતા અથવા વ્યવસાય ધરાવતા આસામીઓ દ્વારા જાહેર યાતાયાત પર અનઅધિકૃત રીતે બાંધકામ તથા દબાણો કરી જાહેર યાતાયાતને રૂંધવા સાથોસાથ ટ્રાફીક પ્રશ્ન પેચીદો બનાવે છે. થોડા સમયથી કાળાનાળા-કાળુભા રોડ પર આડેધડે ખડકી દેવામાં આવેલ. દબાણોના કારણે ટ્રાફીક સમસ્યા પેચીદો બની હતી. જેને લઈને ભાવનગર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણકર્તા આસામીઓને દબાણો દુર કરવા નોટીસો પાઠવી હતી. આમ છતાં આસામીઓએ કાર્યવાહી ન કરતા દબાણ હટાવ સેલના અધિકારી વી.એન. પંડિત તથા ટીમ દ્વારા ખાનગી હોસ્પિટલો લેબોરેટરીઓ દ્વારા બનાવવામાં આવેલ ઓટલા તોડી પાડ્યા હતા. આ ઉપરાંત ટ્રાફીકને અડચણરૂપ લારી-ગલ્લાઓ પણ દુર કરી માર્ગ ખુલ્લો કર્યો હતો. આજે તંત્રએ ૧૦ જેટલા દબાણો દુર કર્યા હતા. આ અંગે અધિકારીએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં જાહેર માર્ગો પર થયેલ દબાણો દુર કરી દેવામાં આવશે.