બગદાણા પાસેના મોણપર ગામે મોક્ષધામમાં નવનિર્મિત શિવાલયમાં ગણપ્રતિષ્ઠા, હનુમાનજી, યમદેવ, વરૂણદેવ, કુબેર દેવની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અખાત્રીજ તા.૦૭-૦૫ ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. સવારે ૮ કલાકે કુટીર હોમ (મહિલામંડળ દ્વારા ) ૯ કલાકે સ્વામી રામતીર્થ આશ્રમથી મૂર્તિ શોભાયાત્રા નીકળશે. ૧૦ કલાકે મોક્ષધામ યજ્ઞ બપોરના ૧૨ કલાકે ફરાળ વિતરણ, ૪-૩૦ કલાકે મૂુર્તિ સ્થાપના સાંજના ૫ કલાકે સ્થાપિત મૂર્તિ સાથેના શિવાલયની મહાઆરતી થશે.
મોણપર ગામનું મોક્ષધામ મહુવા તાલુકામાં સારી નામના ધરાવે છે. અગ્નિ સંસ્કાર વિભાગની મહાસફાઇનું કામ મહિલાઓ દ્વારા થાય છે. દર ૨૦ તારીખે બહેનો મહાસફાઇ કરે છે. મોક્ષધામમાં વિશાળ ગાર્ડન, શિવાલયો, મેલડીમાતાનું મંદિર, સુરાપુરા દાદાના બેસણાં, મોણપર સ્ટેટની રાજ સમાધિ, વિશાલ સ્નાનઘાટ, બેસવા માટે ખુરશી, ટેબલ, ખાટલા, બાકડાની વ્યવસ્થા,. લાઇટ પંખાની સુવિધા, ચા પાણીની દરેક માટે વ્યવસ્થા, ચા ઘર બહેનોને કપડાં ધોવાનો છાયા વાળો વિશાળ વોશીંગઘાટ, મોક્ષધામ છાશકેન્દ્ર આ તમામ સુવિધા મોણપર ગામના તથા મોણપર પ્રત્યે પ્રેમ રાખનારા સૌના સાથ સહકારથી આ મોક્ષધામ વિકાસ સમિતિ દ્વારા નિર્માણ પામેલ છે.
પ્રતિષ્ઠા મહોત્સવને લઇને ગામમાં અનેરો ઉત્સાહ છે. સંતો મહંતો તથા ગ્રામજનોની વિશાળ હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થશે.