સરકારે ભારતમાલા પ્રોજેક્ટ પર કામકાજ શરૂ કરી દીધું છે. પહેલા લોટ માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ ૨૦ પ્રોજેક્ટ્સ પસંદ કર્યા છે. આ પ્રોજેક્ટ્સ પાંચ રાજ્યોમાં બનશે. તેના પર ૧૩ હજાર ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. તેમાં સૌથી વધુ પ્રોજેક્ટ્સ આંધ્રમાં બનશે. તે ઉપરાંત ગુજરાત, તેલંગાણા અને રાજસ્થાનને અગ્રતા આપવામાં આવી છે. ગુજરાતના ૫ પ્રોજેક્ટ માટે ટેન્ડર ઇશ્યુ થઇ ગયા છે. ઉત્તર પ્રદેશમાં હજુ ફક્ત એક પ્રોજેક્ટનું જ ટેન્ડર ઇશ્યુ થયું છે.
એનએચએઆઇના જણાવ્યા અનુસાર, ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ મોટા ભાગના પ્રોજેક્ટ હાઇબ્રિડ એનયુટી મોડલ (હમ) હેઠળ આપવામાં આવી રહ્યા છે, જ્યારે કેટલાક પ્રોજેક્ટસ ઇપીસી (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) મોડલ હેઠળ કરવામાં આવશે.
એનએચએઆઇના એક અધિકારીએ જણાવ્યું કે ભારતમાલા પરિયોજના હેઠળ અત્યાર સુધી જે ટેન્ડર ઇશ્યુ થયા છે તેમાં સૌથી વધારે ૭ ટેન્ડર આંધ્રપ્રદેશ માટે ઇશ્યુ કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશમાં ગિદાલુર-વિનુકોન્ડા સેક્શન પર લગભગ ૧૧૨ કિલોમીટર હાઇવેના રીહેબિલિટેશન અને અપગ્રેડેશન પર ૫૬૫ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. એ રીતે ગંગાવરમ પોર્ટથી લઇને પ્રસ્તાવિત એસઇઝેડ સુધી ૧૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. એ જ રીતે, વિશાખાપટ્ટનમ, કૃષ્ણાપટનમ પોર્ટ, બુગ્ગા વગેરે વિસ્તારોમાં પણ હાઇવે પ્રોજેક્ટસ માટે ટેન્ડર જારી કરવામાં આવ્યા છે. એનએચએઆઇએ ભારતમાલા પરિયોજના હેઠળ ગુજરાતને પણ અગ્રતા આપી છે. ગુજરાતમાં ૫ પ્રોજેક્ટસ માટે ટેન્ડર ઇશ્યુ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ દિલ્હીથી વડોદરા સુધી ડાયરેક્ટ કનેક્ટિવિટીની ડીપીઆર તૈયાર કરવા માટે ટેન્ડર ઇશ્યુ કરવામાં આવ્યા છે. તે માટે કન્સલ્ટન્સી ફર્મની શોધ શરૂ કરવામાં આવી છે. તે ઉપરાંત અન્ય ૪ પ્રોજેક્ટ્સ માટે પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેબિનેટે કેટલાક મહિના પહેલા ભારતમાલા પરિયોજનાને મંજૂરી આપી હતી. તેમાં લગભગ રૂ.૫.૩૫ લાખ કરોડનો ખર્ચે ૩૪,૮૦૦ કિલોમીટર લાંબી સડક બનાવવામાં આવશે. પ્રથમ ફેઝમાં ભારતમાલા પ્રોજેક્ટની ૨૪,૮૦૦ કિલોમીટર લાંબી સડક બનશે, જ્યારે એનએચડીપી હેઠળ ૧૦,૦૦૦ કિલોમીટર સુધી સડક બનશે. પ્રથમ ફેઝમાં ભારતમાલા પ્રોજેક્ટમાં ૯૦૦૦ કિલોમીટર ઇકોનોમિક કોરિડોરનો પણ સમાવેશ થશે અને તેના પર રૂ.૧.૨૦ લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તે ઉપરાંત ૮૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૬૦૦૦ કિમી લાંબો ઇન્ટર કોરિડોર તથા ફીડર કોરિડોર, ૧ લાખ રૂપિયાના ખર્ચે ૫૦૦૦ કિમી નેશનલ કોરિડોર એફિશ્યન્સી ઇમ્પ્રુવમેન્ટ, ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨૦૦૦ કિમી લાંબો ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી રોડ, ૨૦ હજાર કરોડ રૂપિયા ખર્ચે ૨૦૦૦ કિમી કોસ્ટલ રોડ અને પોર્ટ કનેક્ટિવિટી તથા લગભગ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૮૦૦ કિમી ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે.
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતથી મિઝોરમ સુધી રોડ બનાવવામાં આવશે અને તેમાં મહારાષ્ટ્રથી બંગાળ સુધી તટીય રાજ્યોને પણ આવરી લેવાશે. આ રોડ નેટવર્ક ભારતને હારમાળાની જેમ આવરી લેશે. તેની રોડ નેટવર્કમાં ગુજરાત, રાજસ્થાન, પંજાર, જમ્મુ એન્ડ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ લિન્ક થશે.