રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ યોજનાને ત્રણ વર્ષ થયાં છતાં હજુ સુધી ઉત્તર ગુજરાતનું એક પણ ગામ આ યોજના હેઠળ સ્માર્ટ નથી બન્યું. ચૂંટણી પહેલાં સરકારે તમામ જિલ્લામાંથી યાદી મંગાવી હતી. પરંતુ આચાર સંહિતાનું ગ્રહણ નડતાં કામગીરી નેવે મુકાઇ હતી.
હવે આચારસંહિતા પુરી થાય ત્યાર બાદ રાજ્ય સરકાર આગળની કામગીરી શરૂ કરશે. પરંતુ સ્માર્ટ વિલેજ બનશે કે કેમ એ જોવું રહ્યું. રાજ્ય સરકારે ૨૦૧૬ માં સ્માર્ટ વિલેજ યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત પ્રથમ તબક્કે તાલુકા દીઠ એક ગામને સ્માર્ટ બનાવવાનો હતો.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, સ્માર્ટ વિલેજમાં પસંદગી પામેલા ગામોને રૂ.૪૦ લાખથી ૧ કરોડ સુધીની રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવાનું નક્કી કરાયું હતું. રાજ્ય સરકારે આ યોજના મામલે ઉદાસીનતા દાખવી હોય તેમ બે વર્ષમાં માત્ર એક જ વખત દરેક જિલ્લામાંથી આવા ગામોની યાદી મંગાવી હતી.
ચૂંટણી પહેલાં સરકારે બીજી વખત તાલુકા દિઠ એક ગામની યાદી મંગાવી હતી. પરંતુ ચૂંટણી જાહેર થતાં આચારસંહિતાનું ગ્રહણ લાગતાં આગળની કામગીરી બાજુમાં મુકાઇ હતી. આચારસંહિતા બાદ ફરી સ્માર્ટ વિલેજ બનાવવાની કામગીરી હાથ ધરાશે. પરંતુ સ્માર્ટ વિલેજ બનશે કે કેમ એ જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ૨૦૧૬માં સ્માર્ટ વિલેજ બનાવવાની યોજના શરૂ કરી હતી.