ગાંધીનગરમાં વિવિધ જાતની કેરીનું ધૂમ વેચાણ શરૂ થઇ ચૂક્યુ છે. મહાપાલિકા કેરીને કૃત્રિમ રીતે પકવતા વેપારીઓ સામે તપાસ કરવાના મુદ્દે હાથ પર હાથ ધરીને બેસી રહ્યાં પછી રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ દ્વારા આખરે તપાસ હાથ ધરાઈ છે. તેમાં ગાંધીનગરમાં હોલસેલ અને રિટેઇલ વેપારીઓને ત્યાં કરાયેલી તપાસ દરમિયાન જોકે માનવ આરોગ્ય માટે હાનિકર્તા સાબિત થયા પછી બાન કરાયેલુ અને કેરી પકવવા માટે ઉપયોગમાં લેવાતુ કેલ્શિયમ કાર્બાઇડ મળ્યુ ન હતુ. પરંતુ ૧૨૮ કિલો સડેલી કેરી મળી આવતા તેનો નાશ કરાયો હતો અને વેપારીઓને પ્રથમ ચેતવણી આપી દેવામાં આવી હતી. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગના કમિશનર એચ જી કોશિયાએ જણાવ્યું કે ગાંધીનગરમાં ૧૦ હોલસેલ વેપારીઓ અને ૨૨ રિટેલરને ત્યાં વિભાગની તપાસ ટુકડી પહોંચી હતી અને કેરી પકવવા ગેરકાયદે ઉપયોગમાં લેવાતા કેલ્શિયમ કાર્બાઇડ સંબંધમાં તપાસ કરી હતી, પરંતુ આ કેમીકલ મળી આવ્યુ ન હતુ.
સડી ગયેલી ૧૨ હજારની કેરીનો નાશ કરાયોઃ પાટનગરમાં સેક્ટર ૨૧, સેક્ટર ૨૪, સેક્ટર ૧૬ અને સેક્ટર ૭માં વેપારીઓને ત્યાં તપાસ કરાઇ હતી. આ દરમિયાન સડેલી કેરીનો રૂપિયા ૧૨ હજારની અંદાજીત કિંમતનો સડેલી કેરીનો કુલ જથ્થો મળી આવતા નાશ કરવામાં આવ્યો હતો.આમ તો દર વર્ષે કેરીની સિઝન આવે ત્યારે પાટનગરમા જે વેપારીઓ કેરીનુ વેચાણ કરે છે તેમના ત્યાં કેરીની ગુણવતા તેમજ જે વેપારીઓ કાર્બાઈડથી કેરી પકવે છે તેવા વેપારીઓ સામે તંત્ર દ્વારા પગલા પણ લેવામા આવે છે.
ચતુર વેપારી ‘પકાવેલી’ કેરી મગાવે છેઃ અધિકારી સુત્રોએ જણાવ્યું કે મોટાભાગના વેપારી હવે તેમની દુકાન પર કેલ્શિયમ કાર્બાઇડ રાખતા નથી. પરંતુ તેઓ આગળથી જ પકાવેલી કેરીઓ મગાવે છે. પરિણામે સ્થાનિક વેપારીઓ કાયદાની ચુંગાલમાં આવતા નથી.
કેરી પકવવાનું ઇથેલીન ૫૦૦ ગ્રામ મળ્યુંઃ તપાસ દરમિયાન ઇથેલીન નામના કેમીકલની પડીકીઓ મળી આવી હતી. જેનું કુલ વજન ૫૦૦ ગ્રામ જેટલું થતુ હતુ. આ કેમીકલની પડીકી મુકવાથી કેરીઓ પાકી જાય છે. જોકે ઇથેલીન કેમીકલને માન્ય કરવામાં આવેલું છે.