ગુજરાતમાં આવેલી રાય, પારૂલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીમાં બી.એસ. સી. તેમજ ખાનગી યુનિવર્સિટીમાં (એગ્રી). બી.ટેક, (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ) બી.એસ.સી. (હોર્ટી) અને કૃષિ ઇજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપી નથી. તેમજ ત્યાં ચાલતાં કોર્ષ ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૪ની કલમ નં.૪(૪)ની વિરુદ્ધ હોવાથી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે જણાવ્યું છે.
હાઈકોર્ટ અભ્યાસક્રમો અમાન્ય ઠેરવ્યા હતાઃ વર્ષ ૨૦૧૮-૧૯માં સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓએ ગુજરાત હાઇકોર્ટમાં એસસીએ/એલપીએ દાખલ કરી દાદ માંગી હતી. ગુજરાત હાઇકોર્ટે સંયુક્ત રીતે સુનાવણી કરીને આ અરજીઓ અંતર્ગત આ ત્રણેય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ અધિનિયમ, ૨૦૪ ની કલમ નં. ૪(૪)ની જોગવાઇ મુજબ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવેલ ન હોવાથી અને ઉક્ત અભ્યાસક્રમો ચલાવવા બાબતે આઇ.સી.એ.આર. દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી ધારા-ધોરણોનો અમલ કરવામાં આવેલી ન હતી, હાઇકોર્ટ દ્વારા ૩૦ /૧૦/૨૦૧૮ના ચૂકાદાથી ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવાતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવ્યા હતા.
યુનિવર્સિટીઓની અરજીનો સુપ્રીમમાં નિકાલઃ હાઇકોર્ટના ચૂકાદા વિરુદ્ધ રાય યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી અને પારૂલ યુનિવર્સિટીએ સુપ્રીમ કોર્ટમાં સ્પે. લીવ પીટીશનો દાખલ કરી હતી. જે પીટીશનોની સુપ્રીમ કોર્ટે તા.૧૧/૦૧/ ૨૦૧૯ ના રોજ સુનાવણી હાથ ધરીને નિકાલ કરાયો હતો. ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોને રાજ્ય સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલી નથી. જેને પગલે અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ આ બાબતે ધ્યાન રાખવા એક યાદી બહાર પાડીને જાહેર કર્યું હતું.