પશ્ચિમ બંગાળમાં નવા રાજકીય સમિકરણોના મળી રહેલા સંકેતો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે તમામ તાકાત બંગાળમાં લગાવી દીધી છે. બંગાળમાં જોરદાર રેલીઓનો દોર મોદીએ જારી રાખ્યો છે. આજે મોદીએ તામલુકબાર ઝારગ્રામમાં પણ આક્રમક ચુંટણી સભા યોજી હતી. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. મમતા બેનર્જીના ગઢ બંગાળમાં મોદીએ દાવો કરતા કહ્યું હતું કે આ વખતે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને ૧૦ સીટો પણ મળી શકશે નહીં. બંગાળના લોકો ભારે પરેશાન થઈ ચુક્યા છે. જેથી આ વખતે વિકાસ વિરોધી મમતા બેનર્જીને બોધપાઠ ભણાવવા લોકો તૈયારી કરી ચુક્યા છે. ભગવાન રામના બહાને મમતા બેનર્જી પર આક્રમક પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે બંગાળમાં રામનું નામ લેવાની બાબત પણ ગુના તરીકે બની ગઈ છે. મોદીએ આક્ષેપ કરતા ક્હ્યું હતું કે મમતા બેનર્જી જય શ્રી રામ કહેવાથી લોકોને જેલમાં નાખી રહ્યા છે. આ ગાળા દરમિયાન વડાપ્રધાને ભગવાન રામનું નામ લઈને મમતા બેનર્જીને ચેતવણી આપી છે. ઝારગ્રામમાં ચુંટણી રેલી દરમિયાન મમતા બેનર્જી પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું હતું કે દીદીએ જય શ્રી રામના અભિવાદન કરનાર લોકોને પણ જેલમાં નાખવાની પરંપરા અપનાવી છે.
બંગાળમાં રામનું નામ લેવાની બાબત પણ અપરાધ તરીકે ગણાય છે. ભગવાન રામની આગળ તમામ અહંકારી લોકો તૂટી પડ્યા હતા. તેમના અહંકારને પણ લોકો જવાબ આપશે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ નારા લગાવી રહેલા ભાજપના કાર્યકરો પર નારાજ દેખાઈ રહ્યા છે. હકીકતમાં પશ્ચિમ બંગાળના ચંદ્રકોનમાં મમતા બેનર્જીના કાફલામાં પસારના સમયે ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. મમતાએ કાફલો રોકાવ્યો હતો અને કારથી ઉતરીને નારાબાજી કરી રહેલા લોકો પર વળતા આક્ષેપો કર્યા હતા. હવે આ મામલાને લઈને આજે બંગાળના જુદા જુદા ભાગોમાં રેલી દરમિયાન મોદીએ મમતા બેનર્જી પર તેજાબી પ્રહારો કર્યા હતા. ઝારગ્રામથી પહેલા તામલુકમાં પણ મોદીએ મમતા બેનર્જી ઉપર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. ભગવાન શ્રીરામનો મુદ્દો ઉઠાવી મમતા પર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે મમતા બેનર્જીને હવે ભગવાનના નામથી પણ પરેશાની થઈ રહી છે. જય શ્રી રામ કહેનાર લોકોને મમતા બેનર્જી જેલભેગા કરી રહ્યા છે. આ ઉપરાંત તામલુકમાં મોદીએ ફેની ચક્રવાતના બહાને પણ મમતાને ઝાટકી કાઢતા કહ્યું હતું કે બંગાળની સ્પીડ બ્રેકર મમતા બેનર્જી આ ચક્રવાતને લઈને પણ રાજનીતિ રમી રહી છે.
મોદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે વિનાશકાર તોફાનના સંદર્ભમાં માહિતી મેળવવા માટે તેઓએ મમતા બેનર્જીને બે વાર ફોન કર્યા હતા પરંતુ મમતા બેનર્જીએ વાતચીત કરવાનો ઈનકાર કરી દીધો હતો. મમતા બેનર્જીએ બહાનાબાજી કરીને કહ્યું હતું કે અધિકારીઓ ચુંટણી કામગીરીમાં વ્યસ્ત છે જેથી વાતચીત કરી શકાય તેમ નથી. મોદીએ આ ગાળા દરમિયાન કહ્યું હતું કે મમતા બેનર્જીને તોફાનના મુદ્દે પણ રાજનીતિ કરવામાં રસ છે.